Western Times News

Gujarati News

જૂનાગઢમાં ભક્તિનો મહાકુંભ: 11મી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રિ મેળાનો વિધિવત પ્રારંભ કરાવશે

જૂનાગઢ: ગિરનારની તળેટીમાં બિરાજતા ભગવાન ભવનાથના સાનિધ્યમાં યોજાનારા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રિ મેળા-૨૦૨૬ માટે ગુજરાત સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ‘અતિથિ દેવો ભવ:’ની ઉમદા ભાવના સાથે લાખો શ્રદ્ધાળુઓને આવકારવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

આવતીકાલે, ૧૧ ફેબ્રુઆરીથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાધુ-સંતોના ભવ્ય નગર પ્રવેશ અને ભવનાથ મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે આ મેળાનો વિધિવત પ્રારંભ કરાવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવતા લાખો ભક્તોને ભોજન, પાણી, રહેઠાણ કે સુરક્ષા બાબતે કોઈ પણ અગવડ ન પડે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા રાત-દિવસ કામગીરી કરવામાં આવી રહી છે.

ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમ સમાન મેળામાં દેશભરમાંથી સાધુ-સંતો અને નાગા બાવાઓ જૂનાગઢ ખાતે પધારી રહ્યા છે. આ વર્ષે યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ, આરોગ્ય કેન્દ્રો અને પરિવહન માટે વિશેષ બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી ભવનાથના મેળામાં આવનાર દરેક શ્રદ્ધાળુ સુખદ અનુભૂતિ સાથે પરત ફરે.

રાજ્ય સરકારના આ સઘન આયોજનથી મહાશિવરાત્રિનો આ મેળો શ્રદ્ધા અને આસ્થાનું નવું શિખર સર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.