Western Times News

Gujarati News

અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી બિરલા લોકસભામાં હાજરી નહીં આપે

File

(એજન્સી)નવી દિલ્હી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી ગૃહમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેમને હટાવવાના પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચા અને નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં.

જોકે સંસદીય નિયમો હેઠળ આવી કોઈ જવાબદારી નથી, ઓમ બિરલાએ ગૃહમાં હાજરી આપવાનું ટાળવાનો નિર્ણય લીધો છે. સૂત્રો કહે છે કે સરકાર અથવા વિપક્ષ તેમને મનાવવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તેમણે પોતાનો નિર્ણય સ્પષ્ટ કરી દીધો છે કે તેઓ ગૃહમાં હાજરી આપશે નહીં. સૂત્રોના અનુસાર, ઓમ બિરલાએ મહાસચિવને નિર્દેશ આપ્યો છે કે, તેઓ આ નોટિસની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે.

કોંગ્રેસ સાંસદ સુરેશ, ગૌરવ ગોગોઈ અને મોહમ્મદ જાવેદે લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને આ અવિશ્વાસ પ્રસ્તાવ સોંપ્યો જેના પર ૧૧૮ સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. લોકસભાની કાર્યવાહીના સંચાલનમાં પક્ષપાતપૂર્ણ રીતે આરોપ લગાવતા બંધારણની કલમ ૯૪ (સી)હેઠળ પ્રસ્તાવ રજૂ કરાયો છે.આ અવિશ્વાસ પ્રસ્તાવમાં નોંધનીય બાબત એ છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ નોટિસ પર હસ્તાક્ષર કર્યા નથી.

કોંગ્રેસના સૂત્રો મુજબ, સંસદીય લોકશાહીની ગરિમાને જાળવી રાખવા માટે વિપક્ષના નેતા સ્પીકર વિરુદ્ધના પ્રસ્તાવ પર સહી કરે તે યોગ્ય નથી. વિપક્ષનો આરોપ છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન સ્પીકરે રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને બોલતા અટકાવ્યા હતા અને તેમની ટિપ્પણીઓ દ્વારા કોંગ્રેસના સભ્યો પર ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, જે ગૃહની મર્યાદાની વિરુદ્ધ છે.

વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ અંગે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ‘સરકારના દબાણને કારણે સ્પીકર પદની ગરિમા જળવાતી નથી અને તેમણે વડાપ્રધાનના બચાવમાં સફાઈ આપવી પડે છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.’ સંસદના નિયમો મુજબ, સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવા માટે ઓછામાં ઓછા ૫૦ સાંસદોનું સમર્થન જરૂરી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.