Western Times News

Gujarati News

દિવ્યજ્યોત સ્કૂલ નજીકથી શીલજ તરફ જવાના રોડ પર અંડરપાસ બનાવવાની દરખાસ્ત મંજૂર

પ્રતિકાત્મક

સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.૧પ૦૦ કરોડના વધારા સુચવી રૂ.૧૮પ૧૮ કરોડનું બજેટ મંજુર કર્યું -મ્યુનિ. શાસકોએ બજેટમાં સ્લોટર હાઉસની દરખાસ્ત ફગાવી

અમદાવાદ શહેરમાં જરૂરિયાત મુજબ વિવિધ જગ્યાએ અંડરપાસ, અંડરબ્રિજ તેમજ ઓવરબ્રિજ

• દાણીલીમડા ચાર રસ્તાથી ખોડિયારનગર સુધીના ચાર રસ્તા પર ટ્રાફિકના નિરાકરણ માટે ફલાયઓવરબ્રિજ બનાવવો.
• ચાંદલોડિયા વોર્ડમાં ત્રાગડ ક્રોસિંગ પાસે રીસ્ટ્રીકટેડ હાઈવેનો નવો અંડરપાસ બનાવવો.
• થલતેજ વોર્ડમાં દિવ્યજ્યોત સ્કૂલથી શીલજ તરફ જવાના રોડ પર અંડરપાસ બનાવવો.
• ચાંદલોડિયા વોર્ડમાં ટી.પી. ૭ર અને ટી.પી. ર૩૩ પાસે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અંડરપાસ બનાવવો.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્‌ટ બજેટમાં શાસકપક્ષ ઘ્‌વારા રૂ.૧૫૦૦ કરોડની વધારો સૂચવી રૂ. ૧૮૫૧૮ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા નવી સુવિધાઓ સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્‌ટ બજેટમાં રજૂ કરવામાં આવેલી સ્લોટર હાઉસની દરખાસ્તને ના મંજૂર કરવામાં આવી છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી એ બજેટ અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે બજેટમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ૧ ઓવરબ્રિજ અને ૩ અંડર પાસ બનાવવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. એસપી રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસે ટ્રાફિકની સમસ્યાને લઈને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જેનો ઉકેલ લાવવા અને ચૂંટણીમાં રોષનો ભોગ ન બનવું પડે તેના માટે ઔડા સાથે મળીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવો અંડર પાસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

સૌ પ્રથમ વખત અમદાવાદમાં લોકોના ફરવા અને મનોરંજન માટે સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ આઈ બનાવશે. પશ્ચિમ વિસ્તારમાં બોનસાઇ ગાર્ડન બનાવવામાં આવશે. શહેરમાં સિટી ટુરિઝમ ડેવલપ કરવા માટે રૂ.ર૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત સિનિયર સિટીઝનને વિનામૂલ્યે અમદાવાદ દર્શન કરાવવા માટે રૂ.ર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના પ્લોટમાં દબાણ ન થઈ જાય તેમજ સ્વચ્છતા જળવાય તે માટે કમ્પાઉન્ડ રોડ બનાવવામાં આવશે તેમજ સીસીટીવી લગાવવામાં આવશે

જેના માટે પ્રાથમિક તબક્કે રૂ.ર૦ કરોડનો ખર્ચ થશે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટને વિવિધ વિસ્તારોમાં નવા ફાયર સ્ટેશન બનાવવા માટે રૂ.૧૦ કરોડ તેમજ હયાત સ્મસાનોને રિનોવેશન કરવા માટે તેમજ નવા સ્મશાન બનાવવા માટે રૂ.૧પ કરોડ ફાળવવામાં આવ્યા છે. નિકલ તથા વિંઝોલ ગામ ખાતે નવા સ્મશાન બનાવવામાં આવશે.

શહેરમાં પર્યાવરણની જાળવણી થાય તે માટે પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારમાં રૂ.૧૦ કરોડના ખર્ચથી આઈકોનીક ગ્રીન રોડ તૈયાર કરવામાં આવશે. આ રોડમાં વૃક્ષારોપણ, સાયકલ ટ્રેક, વોક-વે, સોલાર લાઈટિંગ વગેરે સુવિધા રહેશે. મકરબા બ્રિજથી એસપી રિંગ રોડને જોડતા રસ્તાને રૂ.૧૦ કરોડના ખર્ચથી ડેવલપ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં સિટીએમ ચાર રસ્તાથી ખોખરા ગાયત્રી ડેરી સુધી પીપીપી ધોરણે રૂ.૧૦ કરોડના ખર્ચથી આઈકોનિક રોડ તૈયાર કરવામાં આવશે.

શહેરને નાળામુક્ત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત જૂના નાળાઓનું સર્વે કરી તેને દૂર કરવામાં આવશે. શહેરના જે વિસ્તારોમાંથી રેલવે લાઈન પસાર થાય તેની આજુબાજુ અર્બન પ્લાન્ટેશન કરવામાં આવશે આ ઉપરાંત ૧૦૦ જેટલા બગીચાઓમાં યોગા સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. શહેરની હવાને સ્વચ્છ રાખવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવશે.

જેના માટે પ્રાથમિક તબક્કે રૂ.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવશે. અમદાવાદ શહેરના હયાત તળાવના શુદ્ધિકરણ માટે તેમજ ફૂવારા ડેવલપમેન્ટ માટે રૂ.૧૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના પેએન્ડ યુઝ ટોયલેટને રિનોવેટ કરી તેના ઓડિટ માટે રૂ.પ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક ઝોન દીઠ એક મહિલા ઝીમનેશિયમ તૈયાર કરવામાં આવી છે. ઉત્તરપશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં પ્રેક્ટિસ પીચ, પેવેલિયનની બેઠક વ્યવસ્થા સાથે રૂ.ર કરોડના ખર્ચથી ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવશે.

અમદાવાદ શહેર માટે શીરદર્દ બનેલ મેઘા લાઈનને નિરોલી સુધી લઈ જવામાં આવશે જેના માટે સોઈલ ટેસ્ટ કરી ફિઝિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. શહેરના બગીચાઓમાં નાગરિકોના માનસિક અને સ્વાસ્થ્ય આનંદ માટે મ્યુઝિક સિસ્ટમ લગાડવામાં આવશે. આ ઉપરાંત ભીખારીમુક્ત અમદાવાદ બનાવવા માટે રૂ.૧ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.