જિયોફાઇનાન્સ એપ દ્વારા વિવિધ બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી FD માટેનું પ્લેટફોર્મ લોન્ચ કરાયું
યુઝર્સ જિયોફાઇનાન્સ એપ દ્વારા એક જ પ્લેટફોર્મ પર ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરી શકે છે, તેમાં રોકાણ કરી શકે છે અને સરળતાથી તેને ટ્રેક કરી શકે છે
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2026: જિયોફાઇનાન્સ એપના યુઝર્સ હવે આ પ્લેટફોર્મ પર અનેક બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ્સની વિશાળ શ્રેણીનો લાભ લઈ શકશે. આ નવી સુવિધા જિયોફાઇનાન્સ એપની સરળ, સુરક્ષિત અને ડિજિટલ-ફર્સ્ટ નાણાકીય સેવાઓ માટેના ‘વન-સ્ટોપ ડેસ્ટિનેશન’ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે. JioFinance app introduces platform for fixed deposit
સ્થિર અને ઓછું જોખમ ધરાવતા બચત વિકલ્પો શોધતા લોકો માટે આ ફીચર આદર્શ છે. આ સુવિધા યુઝર્સને સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા આકર્ષક વ્યાજ દરો પર ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરવાની અને તેમાં સરળતાથી રોકાણ કરવાની સુવિધા આપે છે.
જિયોફાઇનાન્સ એપ દ્વારા એફડી કરવાના મુખ્ય ફાયદાઓ આ મુજબ છે:
એફડી પ્રોવાઇડર્સની વિશાળ શ્રેણીઃ આ સુવિધા યુઝર્સને યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંક, સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક, બજાજ ફાયનાન્સ, શ્રીરામ ફાયનાન્સ, ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંક અને મહિન્દ્રા ફાયનાન્સ સહિત અનેક બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરવામાં મદદ કરે છે. નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે વ્યાજ દર અને સમયગાળા મુજબ ફિલ્ટર્સની સુવિધા પણ આપવામાં આવી છે.
સ્પર્ધાત્મક વ્યાજ દરોનો લાભ: વાર્ષિક 8.15 ટકા* સુધીના વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે, જેમાં સ્મોલ ફાયનાન્સ બેંકો અને NBFCsના વધુ વળતર આપતા વિકલ્પોનો સમાવેશ થાય છે.
સરળ અને સુરક્ષિત ડિજિટલ બૂકિંગ: કોઈપણ હસ્તક્ષેપ વગર, મિનિટોમાં એફડી બૂક કરવા માટેની સંપૂર્ણ ડિજિટલ ‘એન્ડ-ટુ-એન્ડ’ પ્રક્રિયા પૂરી પાડે છે.
વધુ સારા આયોજન માટે પારદર્શક માહિતી: યુઝર્સ ટેન્યોર, ટેક્સની લાગુ પડતી શરતો, લોક-ઇન પિરિયડ અને સમય મર્યાદા પહેલા નાણાં ઉપાડવા (પ્રિમેચ્યોર વિડ્રોઅલ) સંબંધિત નિયમો અને શરતોની વિગતો જોઈ શકે છે.
કોન્સોલિડેટેડ એફડી ટ્રેકિંગ: આ એપ ચાલુ અને બંધ થયેલી એફડી પર દેખરેખ રાખવા માટે એક વ્યાપક ડેશબોર્ડ પૂરું પાડે છે, જેમાં વળતર, પાકતી મુદત અને રિન્યુઅલ માટેના રિમાઇન્ડર્સને ટ્રેક કરવાની સુવિધા સામેલ છે.
આ લોન્ચ પ્રસંગે જિયો ફાઇનાન્સ પ્લેટફોર્મ એન્ડ સર્વિસ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુરભે એસ. શર્માએ જણાવ્યું હતું કે, “વિવિધ સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતી એફડીનો આ વિશાળ વિકલ્પ એ યુઝર્સને તેમના જીવનના લક્ષ્યો મુજબ નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વકના નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવવાનો અમારો એક પ્રયાસ છે. ભારતમાં એફડી બચત માટેનો એક લોકપ્રિય વિકલ્પ રહ્યો છે, તેમ છતાં યુઝર્સને અવારનવાર વિવિધ સંસ્થાઓની એફડી વચ્ચે સરખામણી કરવામાં, વ્યાજદરો સમજવામાં અથવા અલગ–અલગ પ્લેટફોર્મ પર તેમની ડિપોઝિટને ટ્રેક કરવામાં મુશ્કેલી પડતી હોય છે. અમે એફડી શોધવા, સરખામણી કરવા, બૂક કરવા અને તેને ટ્રેક કરવા માટે એક સરળ અને પારદર્શક એન્ડ–ટુ–એન્ડ ડિજિટલ પ્રક્રિયા ઉપલબ્ધ કરાવીને આ અડચણોને દૂર કરી રહ્યા છીએ.”
જિયોફાઇનાન્સ એપ પર ફિક્સ્ડ ડિપોઝિટની આ સુવિધા બ્લોસ્ટેમ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે, જે એક બીટુબી બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ વિવિધ બેંકો અને NBFCs સાથે બિઝનેસ કોરસપોન્ડન્ટ અને/અથવા ટેકનિકલ સર્વિસ પ્રોવાઈડર તરીકે જોડાયેલું છે.
એફડીના વિવિધ વિકલ્પો જાણવા માટે, યુઝર્સ જિયોફાઇનાન્સ એપ ડાઉનલોડ કરી શકે છે, એપના હોમ પેજ પર જઈને ‘ફિક્સ્ડ ડિપોઝિટ્સ’ સેક્શનમાં જઈ શકે છે અને એફડી બૂકિંગ પૂર્ણ કરવા માટે થોડા સરળ સ્ટેપ્સને અનુસરી શકે છે.
