Western Times News

Gujarati News

અમદાવાદના મેયરના હસ્તે કાંકરિયા-વ્યાયામ વિદ્યાલય ખાતે 26માં દિવ્યાંગ રમતોત્સવનો પ્રારંભ

2100થી વધુ દિવ્યાંગ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન, અમદાવાદ સ્કૂલ બોર્ડના 480 વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો

(પ્રતિનિધિ)   અમદાવાદ.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 26મા દિવ્યાંગ રમતોત્સવનો કાંકરિયા સ્થિત અંબુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. 12 થી 14 ફેબ્રુઆરી ત્રણ દિવસીય આ રમતોત્સવનું ઉદ્ઘાટન મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈનના હસ્તે કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં વસતા દિવ્યાંગ નાગરિકોને રમતગમત દ્વારા પ્રોત્સાહિત કરવા અને તેમની પ્રતિભાને યોગ્ય મંચ આપવા માટે આયોજિત આ રમતોત્સવમાં શહેરની વિવિધ સંસ્થાઓ હેઠળ કુલ 2100થી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. ખાસ નોંધનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના 480 વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે આ આયોજનની વ્યાપકતા અને લોકપ્રિયતા દર્શાવે છે.

આ રમતોત્સવમાં શહેરની વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સક્રિય રીતે જોડાઈ છે, જેમાં અપંગ માનવ સેવા સંઘ–વસ્ત્રાપુર, અંધજન મંડળ–વસ્ત્રાપુર, બહેરા મૂંગાની શાળા–આશ્રમ રોડ, સમાજ વિકાસ ટ્રસ્ટ, પ્રકાશ મંદબુદ્ધિ, પોલિયો ફાઉન્ડેશન, ડૉ જીત મહેતા–ઉસ્માનપુરા, પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત, સદભાવના ટ્રસ્ટ, ઓમકાર ફાઉન્ડેશન તેમજ અપંગ માનવ કલ્યાણ કેન્દ્ર–સોલારોડ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

આ તમામ સંસ્થાઓના દિવ્યાંગ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના રમતકૌશલ્યનું પ્રદર્શન કરી રહ્યા છે. આ અવસરે મેયરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગ ખેલાડીઓનો આત્મવિશ્વાસ અને જિજ્ઞાસા સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે આ રમતોત્સવનું આયોજન કરીને સમાવેશી સમાજની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરે છે.

આ પ્રસંગે શાસક પક્ષના નેતા  ગૌરાંગ પ્રજાપતિ, અમદાવાદ સ્કૂલ બોર્ડના ચેરમેન  સુજય મહેતા, રિક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન  જયેશભાઈ ત્રિવેદી, રેવન્યુ કમિટીના ચેરમેન  અનિરુદ્ધસિંહ ઝાલા, સ્થાનિક કોર્પોરેટરો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર  નિલેશભાઈ પટેલ, કાંકરિયા વ્યાયામ શાળાના પ્રિન્સિપાલશ્રી સહિતના  પદાધિકારીઓ અને મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓ, વાલીઓ અને શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા.

ત્રણ દિવસ સુધી ચાલનારા આ રમતોત્સવમાં વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે અને વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિવ્યાંગ રમતોત્સવ દ્વારા ફરી એકવાર એ સંદેશ પ્રગટ થયો છે કે યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો દિવ્યાંગ ખેલાડીઓ પણ સમાજના ગૌરવ બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.