“ઘૂસખોર પંડત ‘વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા’ નો ઉપયોગ સમાજના કોઈ ચોક્કસ વર્ગને બદનામ કરવાના લાયસન્સ તરીકે કરી શકાય નહીં”
નવી દિલ્હી, બુધવારે સુપ્રીમ કોર્ટે આગામી નેટફ્લિક્સ ફિલ્મ “ઘૂસખોર પંડત” (Ghooskhor Pandat) ના નિર્માતાઓ પર તેના કથિત રીતે અપમાનજનક શીર્ષક બદલ આકરા પ્રહાર કર્યા હતા. કોર્ટે અવલોકન કર્યું હતું કે ‘વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા’ નો ઉપયોગ સમાજના કોઈ ચોક્કસ વર્ગને બદનામ કરવાના લાયસન્સ તરીકે કરી શકાય નહીં.
જસ્ટિસ બી.વી. નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) અને ફિલ્મ નિર્માતા નીરજ પાંડેને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી 19 ફેબ્રુઆરી ના રોજ નિયત કરવામાં આવી છે.
સુનાવણી દરમિયાન, જસ્ટિસ નાગરથનાની આગેવાની હેઠળની બેન્ચે ફિલ્મના ટાઇટલ સામે સખત વાંધો ઉઠાવતા ટિપ્પણી કરી હતી કે આવા નામો સામાજિક સૌહાર્દને બગાડી શકે છે. કોર્ટે પૂછ્યું, “આવા ટાઇટલનો ઉપયોગ કરીને તમારે સમાજના કોઈ વર્ગને શા માટે બદનામ કરવો જોઈએ? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે કોઈ સમુદાયને ખરાબ રીતે ચિત્રીત કરી શકો.”
સુપ્રીમ કોર્ટે વધુમાં સંકેત આપ્યો હતો કે જ્યાં સુધી ફિલ્મનું નામ બદલવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેને રિલીઝ કરવાની મંજૂરી આપશે નહીં. બેન્ચે ફિલ્મ નિર્માતાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “જ્યાં સુધી તમે અમને નહીં જણાવો કે ટાઇટલ બદલી દેવામાં આવ્યું છે, ત્યાં સુધી અમે તમને ફિલ્મ રિલીઝ કરવાની મંજૂરી આપીશું નહીં.”
કોર્ટે એમ પણ ઉમેર્યું કે દેશમાં જ્યારે પહેલેથી જ ઘણી અશાંતિ હોય, ત્યારે આવા નામો વધુ તણાવ પેદા કરી શકે છે. “જ્યારે સમાજમાં આટલી બધી તિરાડો હોય, ત્યારે આપણે મૂક પ્રેક્ષક બનીને કેવી રીતે રહી શકીએ?”
અરજીમાં શું આક્ષેપ છે?
ભારતીય બ્રહ્મ સમાજ વતી અતુલ મિશ્રા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મનું ટાઇટલ અને વાર્તા જાતિ અને ધર્મ આધારિત રૂઢિચુસ્ત વિચારોને પ્રોત્સાહન આપે છે, જે બ્રાહ્મણ સમુદાયની ગૌરવ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે “પંડિત” શબ્દની સાથે “ઘૂસખોર” (લાંચ લેનાર) શબ્દ જોડવો એ એક આખા સમુદાયની માનહાનિ સમાન છે.
ફિલ્મ નિર્માતા નીરજ પાંડે વતી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફિલ્મના ટ્રેલરને પહેલેથી જ હટાવી દેવામાં આવ્યું છે અને ફિલ્મનું નામ બદલવાની પ્રક્રિયા ચાલુ છે. સુપ્રીમ કોર્ટે પ્રોડ્યુસરને સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો છે, જેમાં અત્યાર સુધી લીધેલા પગલાં અને સૂચિત નવા નામની વિગતો આપવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ દિલ્હી હાઈકોર્ટે પણ નેટફ્લિક્સની એ ખાતરી બાદ અરજીનો નિકાલ કર્યો હતો કે તેઓ ટાઇટલ બદલશે અને તમામ જૂનું પ્રમોશનલ કન્ટેન્ટ હટાવી દેશે.
ઉલ્લેખનીય છે કે, નીરજ પાંડેએ બનાવેલી અ વેડનેસડે (A Wednesday) 2008 નસીરુદ્દીન શાહ અભિનીત આ ફિલ્મને બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. સ્પેશિયલ 26 (Special 26) 2013અક્ષય કુમારની આ ફિલ્મ 1987ના અસલી સીબીઆઈ દરોડાની ઘટના પર આધારિત હતી. બેબી (Baby)2015આતંકવાદ વિરોધી મિશન પર બનેલી આ એક્શન થ્રિલર ફિલ્મને ખૂબ જ વખાણવામાં આવી હતી. એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી 2016 પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક, જેમાં સુશાંત સિંહ રાજપૂતે શાનદાર અભિનય કર્યો હતો.
રૂસ્તમ (Rustom) 2016નીરજ પાંડેએ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી, જે નાણાવટી કેસ પર આધારિત હતી. ઐય્યારી (Aiyaary) 2018આર્મી ઓફિસર્સ અને ભ્રષ્ટાચાર પર આધારિત આ એક ક્રાઈમ ડ્રામા ફિલ્મ હતી.
-
સ્પેશિયલ ઓપ્સ (Special OPS – 2020): આ વેબ સિરીઝ રો (RAW) એજન્ટની વાર્તા પર આધારિત હતી જે સુપરહિટ રહી હતી.
-
ધ ફ્રીલાન્સર (The Freelancer – 2023): સીરિયામાં ફસાયેલી છોકરીને છોડાવવાની રોમાંચક વાર્તા.
