Western Times News

Gujarati News

આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ AIનું લોકાર્પણ કર્યુ મુખ્યમંત્રીએ

સહકારને સ્માર્ટ બનાવતી નવિન ક્રાંતિનો પ્રારંભ –ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી – કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ

કૃષિ-પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઈલસ્ટોન અમૂલ એ.આઈ.નું લોંન્ચીંગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી

Ø  સરકાર-સહકાર અને ટેક્નોલોજીની ત્રિવેણીથી આધુનિક વિકાસની ગતિ અનેક ગણી વધી છે.

Ø  ત્રણ કર્તવ્યો પર આધારિત આ વર્ષના કેન્દ્રીય બજેટમાં દૂધ ઉત્પાદકોના હિતોને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.

Ø  ડેરી ઈકો સિસ્ટમને સંગીન કરવા 20 હજાર વેટરનરી પ્રોફેશનલ્સ તૈયાર કરવા માટે કેન્દ્રીય બજેટમાં વિશેષ ફંડની જોગવાઈ

Ø  વૈશ્વિક ટ્રેડ ડિલથી દેશના ડેરી સેક્ટરને લાભ ભારત વિશ્વની ડેરી બનવાની દિશામાં ઝડપભેર આગળ વધશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ એ.આઈ.નું લોકાર્પણ કરતાં સ્પષ્ટ પણે જણાવ્યું કે, આ અમૂલ એ.આઈ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઈલ સ્ટોન બનશે.

રાજ્યના 18,500થી વધુ ગામડાઓમાં 36 લાખ દૂધ ઉત્પાદકોની સહકારી સંસ્થા અને વિશ્વની અગ્રણી સહકારી સંસ્થાની તથા ડેરી બ્રાન્ડની ખ્યાતિ પ્રાપ્ત અમૂલ દ્વારા ખેડૂતથી ટેક્નોલોજી સુધી સહકારને સ્માર્ટ બનાવતી નવિન અમૂલ એ.આઈ. ક્રાંતિનો પ્રારંભ અવસર આણંદમાં યોજવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ અન્ન નાગરિક પૂરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના અધ્યક્ષ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અમૂલ એ.આઈ.નું લોકાર્પણ કર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં પાછલા 11 વર્ષમાં દેશની આર્થિક વિકાસયાત્રા તેજ ગતિએ આગળ વધી છે તેમાં ટેકનોલોજીનો મહત્વનો ફાળો છે.

આ સંદર્ભમાં તેમણે ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની સફળતાનું ઉદાહરણ આપતા ઉમેર્યું કે, જ્યારે વડાપ્રધાનશ્રીએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની દેશમાં શરૂઆત કરાવી ત્યારે સૌને સવાલ હતો કે આ કેવી રીતે સફળ થશે? આજે ભારત યુ.પી.આઈ. ટ્રાન્ઝેક્શનમાં અગ્રેસર બની ગયું છે અને નાનામાં નાનો વેપારી, શાકભાજીની લારી, ચાની કીટલી સુધીના નાના લોકો પણ ડીજીટલ ટ્રાન્જેક્શનનો ઉપયોગ કરતા થઈ ગયા છે. તે તેની આગવી સફળતા છે.

વડાપ્રધાનશ્રીએ 21મી સદીના અદ્યતન ટેકનોલોજી યુગમાં એ.આઈ.  આધારિત વિકાસ માટે અનેક પહેલો હાથ ધરી છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, સરકાર, સહકાર અને ટેકનોલોજીની ત્રિવેણીથી આધુનિક વિકાસની ગતિ અનેક ગણી વધી ગઈ છે તેને હવે એ.આઈ. વધુ સંગીન બનાવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ હંમેશા નાના માણસો, ગ્રામીણ ખેડૂતો, પશુપાલકોનું હિત વિચારીને તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો જ ધ્યેય રાખ્યો છે. તેમના નેતૃત્વમાં ત્રણ કર્તવ્ય પર આધારિત આ વર્ષના કેન્દ્રીય બજેટમાં પણ દૂધ ઉત્પાદકોના હિતને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.

એટલું જ નહીં, ડેરી ઈકો સિસ્ટમને મજબૂત કરવા 20 હજાર વેટરનરી પ્રોફેશનલ્સ તૈયાર કરવા માટે વિશેષ ફંડની પણ કેન્દ્રીય બજેટમાં જોગવાઈ કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અમૂલે પોતાના સભાસદો, દૂધ ઉત્પાદકોને વધુ આવક મળે તેવી નવિનતમ ટેકનોલોજીનો ઉપયોગ ડિજિટલ ક્રાંતિથી કર્યો છે. પોતાની સુવિકસિત આગવી આઈ.ટી. સિસ્ટમમાં પશુપાલકો, દૂધ ઉત્પાદકો, સભાસદોનો જે ડેટાબેઝ છે તેને ઇન્ટીગ્રેટ કરીને હવે અમૂલ એ.આઈ.થી એડવાન્ટેજ ઇન્ડિયા માટે સજ્જ થયું છે.

વડાપ્રધાનશ્રીના વિઝનથી તાજેતરમાં અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે થયેલી ટ્રેડ ડિલ ડેરી ક્ષેત્ર માટે લાભદાયી થશે તેનો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ અંગેની વિસ્તૃત ભૂમિકા આપતા કહ્યું કે, આ ડીલમાં ડેરી પ્રોડક્ટ્સની ઇમ્પોર્ટને બાકાત રાખવાના તેમના આગવા નિર્ણયથી દેશમાં દૂધ ઉત્પાદન પર નિર્ભર 10 કરોડથી વધુ નાના અને સીમાંત ખેડૂતોનો જીવન નિર્વાહ સુરક્ષિત રહેશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો વિશ્વાસ દર્શાવ્યો કે, આ આવકારદાયક ટ્રેડ ડિલના પરિણામે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશનું ડેરી સેક્ટર દૂધ ઉત્પાદન વધારીને વિશ્વની ડેરી બનવાની દિશામાં ઝડપથી આગળ વધશે.

તેમણે વિકસિત ભારત 2047 માટે સ્વદેશી અને આત્મનિર્ભર ટેકનોલોજીથી ગ્લોબલ સોલ્યુશન આપવા માટેની દિશામાં અમૂલ એ.આઈ.ને મક્કમ પગલું ગણાવ્યું હતું. નવી ટેકનોલોજી અને ઇનોવેશન આવનારા સમયમાં ઇકોનોમીના ડ્રાઇવિંગ ફોર્સ બનશે તેમાં ગ્રામ્ય, કૃષિ, પશુપાલન અને દૂધ ઉત્પાદન સાથે સહકાર ક્ષેત્ર લીડ લેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આણંદની ભૂમિ શ્વેતક્રાંતિના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે, તેમજ ડો. કુરિયનની પણ કર્મભૂમિ રહી છે. આજે હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે.

અમૂલ દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી ‘સરલા’ (Sarala) એપને એક મોટી ક્રાંતિ ગણાવતા તેમણે કહ્યું હતુ કે, અમૂલે વિશ્વમાં પ્રથમવાર દૂધના ફેટ, SNF અને દૈનિક હિસાબ મોબાઈલ એપ પર આપવાની વ્યવસ્થા કરી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં શ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસિત દેશો દ્વારા ભારતમાં દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ ઘુસાડવા માટે ભારે દબાણ કરવામાં આવતું હતું. જો બહારનું દૂધ ભારતમાં આવત તો દેશના કરોડો પશુપાલકોને અસર થાત. પરંતુ, વડાપ્રધાનશ્રીએ આંતરરાષ્ટ્રીય રાજનીતિ સામે ‘ચટ્ટાન’ બનીને ઊભા રહીને ભારતીય પશુપાલકોના હિતનું રક્ષણ કર્યું છે અને દૂધને મુક્ત વ્યાપારના કરારો (Trade Agreements) માંથી બહાર રાખ્યું છે.

આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આ ઘટનાને એક ‘ઐતિહાસિક ક્ષણ’ ગણાવી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુપાલન અને ડેરી ક્ષેત્ર માટે જે વિશેષ પ્રયાસો કર્યા છે, તેને પરિણામે જ આજે ગુજરાત આ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અમૂલની આ AI એપ્લિકેશન વિશ્વની સૌથી મોટી એપ્લિકેશન બનવા જઈ રહી છે, જે ડિજિટલ યુગમાં ગુજરાતની એક અનેરી સિદ્ધિ છે. જે રીતે લોકોએ યુપીઆઈ (UPI) અને સ્માર્ટફોન અપનાવ્યા છે, તેવી જ રીતે આ AI ટેકનોલોજી પણ પશુપાલકોના જીવનનો ભાગ બની જશે.

સહકાર ક્ષેત્ર વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પશુપાલન એ માત્ર વ્યવસાય નથી પરંતુ ગ્રામીણ સમૃદ્ધિનો આધારસ્તંભ છે. વડાપ્રધાનશ્રીએ અલગ ‘સહકારિતા મંત્રાલય’ બનાવીને અને તેનો કાર્યભાર શ્રી અમિતભાઈ શાહને સોંપીને આ ક્ષેત્રમાં મોટા સુધારા કર્યા છે. તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે, આજે 94% જેટલી રકમ સીધી જ પશુપાલક બહેનોના બેંક ખાતામાં જમા થાય છે, જે આર્થિક સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ છે.

કાર્યક્રમના પ્રારંભમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રીમોટ દ્વારા ‘અમૂલ એઆઈ’ (Amul AI) ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું હતુ. ત્યારબાદ ઉપસ્થિત સર્વેએ અમુલ AI ની ટુંકી ફિલ્મ નિહાળી હતી.

અમુલ ખાતે મુખ્યમંત્રીશ્રીનું આગમન થતા અમૂલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં અમૂલના ચેરમેનશ્રીએ સૌનું સ્વાગત કરી અમુલ AI વિશે જાણકારી આપી હતી. આ તકે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયન મહેતાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. અમુલ AI એપ બનાવનાર ડો. શંકરે એપ વિશે વિસ્તૃતમાં વાત કરી હતી. કાર્યક્રમના અંતે અમૂલના વાઇસ ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલીયાએ સૌના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, અગ્ર સચિવ શ્રી અરુણકુમાર સોલંકી, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના હોદ્દેદારો, અમુલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ સહિત પશુપાલક મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.