Western Times News

Gujarati News

AMC બજેટઃ 24 કલાક પૂરતા પ્રેશરથી પાણી સપ્લાય માટે રૂ.100 કરોડની જોગવાઈ

AI Image

અમદાવાદ મ્યુનિ. કોંગ્રેસે રૂ.922 કરોડના સુધારા સાથે રૂ.19440 કરોડનું બજેટ રજૂ કર્યું

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું વર્ષ 2026- 27નું મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કુલ રૂપિયા 18518 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ પોતાના સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ દ્વારા 652 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો સહિત 922 કરોડ રૂપિયાનો સુધારો મૂકી 19,440 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.  કોંગ્રેસ દ્વારા શહેરના નાગરિકો પ્રોપર્ટી ટેક્સ સમયસર ન ભરે તો તેમાં 18% વ્યાજ વસૂલ કરવામાં આવે છે તેને ઓછું કરી 7% કરવા માટેની બજેટમાં રજૂઆત કરવામાં આવી છે.

વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કોંગ્રેસનું બજેટ રજુ કરતા જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશોએ માત્ર કલ્પનાઓનું જ બજેટ રજૂ કર્યું છે. દર વર્ષે બજેટમાં સુધારો મૂકવામાં આવે છે પરંતુ અસરકારક રીતે તેનો ઉપયોગ થતો નથી.

કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં શહેરમાં નાગરિકોને 24 કલાક અને 365 દિવસ પૂરતા પ્રેશરથી પાણી આપવા માટે 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ગીચ વિસ્તારમાંથી બીઆરટીએસ દૂર કરવવા અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે માસ્ટર પ્લાન બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.

શહેરમાં યુવા વર્ગ દારૂ, ચરસ, ગાંજો જેવા નશાકારક ચીજ વસ્તુઓની નશાખોરી કરી રહ્યા છે ત્યારે તેની આદત છોડાવવા માટે અમદાવાદમાં રિહેબ સેન્ટર બનાવવા માટે પણ પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોને પ્રોજેક્ટમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીથી ચાલે છે જેની અનેક રજૂઆતો કમિશનર અને સત્તાધારી પક્ષના હોદ્દેદારોને કરવામાં આવી છે

ત્યારે કોઈ કાર્યવાહી થઈ નથી જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત બને તેના માટે તટસ્થ તેમજ તપાસ એજન્સી તરીકે લોકપાલ ની નિમણૂક કરવાની માંગ કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે. ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરી અને વોર્ડ દીઠ યોગ્ય જગ્યાએ પાણી ડ્રેનેજ રસ્તા લાઈટ કચરા વગેરેના નિકાલની સુવિધા સાથે બજારનું આયોજન કરવા 20 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે.

મહિલા સશક્તિકરણ નીતિ અંતર્ગત નાના-મોટા રોજગાર કરતી મહિલાઓને પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ આપવાથી આર્થિક ટેકો મળી રહે અને મહિલાઓ ધંધો રોજગાર કરવા પ્રેરાય તેના માટે થઈ મહિલા આંતરપ્રિન્યોર માટે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા માટેનું પણ ઠરાવવામાં આવ્યું છે.

શહેરમાં તમામ સ્ટ્રીટ લાઈટો પર સોલાર પેનલ નાખવા માટેની પણ 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. શહેરમાં અનેક જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલા છે અને મોટી ફૂટપાથો બનેલી છે તેના માટેની કોઈ પોલિસી નથી ખાસ કરીને સ્પીડ બ્રેકરના કારણે થઈ અકસ્માત થતા હોય છે જેથી સ્પીડ બ્રેકરો અને ઉત્પાદ બનાવવા માટે પોલીસી બનાવવા ઠરાવવામાં આવ્યું છે.

અમદાવાદમાં રોડ રીસરફેસ ની પોલીસી બનાવવા માટેની પણ માંગ કરવામાં આવી છે હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે સંસ્કૃતિ રૂપી વિરાસતો બચાવવા 50 કરોડ અને શહેરના ઐતિહાસિક ધાર્મિક સ્થાનોનો વિકાસ કરવા માટે પોલીસી બનાવીને 50 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે.

સાબરમતી નદીમાં આવેલા તમામ ફ્રેન્ચવેલ કાર્યરત કરવા માટે પણ 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જ્યારે દરેક ઝોનમાં એમપી થિયેટર બી થયેલી સ્ક્રીન વિકસાવવા અને રેન બસેરા નો મહત્તમ ઉપયોગ થઈ શકે તેવી સુવિધા સાથે બનાવવાની પણ 10 કરોડની ફાળવણી કરાઈ છે.

વિપક્ષ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં 652 કરોડ રૂપિયા વિકાસના કામો, વીએસ હોસ્પિટલ માટે 200 કરોડ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય માટે એક કરોડ, એએમટીએસ માટે 25 કરોડ અને સ્કૂલ બોર્ડ માટે 69 કરોડ એમ કુલ 922 કરોડ રૂપિયાનો સુધારો મૂકવામાં આવ્યો છે.  વિકાસ કામો 652 કરોડ રૂપિયાના છે. 19 અને 20 ફેબ્રુઆરીના રોજ મળનારા બજેટ સેશનમાં કોંગ્રેસ દ્વારા પોતાના સુધારા રજૂ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.