Western Times News

Gujarati News

નવરંગપુરા ખાતે 10.61 કરોડના ખર્ચે નવનિર્મિત ‘સ્કૂલ બોર્ડ ભવન’નું લોકાર્પણ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નવીન સ્કૂલ બોર્ડ ભવન અને ૧૫ સ્માર્ટ અનુપમ શાળાઓનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ થકી શિક્ષણથી રાષ્ટ્રનિર્માણના મંત્રને સાર્થક કરી રહી છે : મુખ્યમંત્રી

(પ્રતિનિધિ)      અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ‘શતાબ્દી શિક્ષા મહોત્સવ’ અંતર્ગત નવનિર્મિત સ્કૂલ બોર્ડ ભવન તથા સ્માર્ટ શાળાઓના લોકાર્પણ અને શ્રેષ્ઠ શાળાઓ તથા શિક્ષકોના એવોર્ડ વિતરણનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.  સ્કૂલ બોર્ડના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાયેલા ‘શતાબ્દી શિક્ષા મહોત્સવ’ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી  રિવાબા જાડેજા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નવરંગપુરા ખાતે ₹૧૦.૬૧ કરોડના ખર્ચે નવનિર્મિત ‘સ્કૂલ બોર્ડ ભવન’નું લોકાર્પણ કર્યું હતું. ભવનની મુલાકાત દરમિયાન તેમણે ‘સ્પાર્ક પ્રોજેક્ટ’ હેઠળ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી કૃતિઓ નિહાળી હતી. મુખ્યમંત્રીશ્રીએ બાળકોની વિવિધ કલા પ્રસ્તુતિઓને બિરદાવી હતી તથા  પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ₹૧૬.૧૧ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૧૫ સ્માર્ટ અનુપમ શાળાઓનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સન્માનિત કરવામાં આવનાર ૧૦૦ શ્રેષ્ઠ શાળાઓ અને ૧૦૦ શિક્ષકો પૈકી પ્રતિકાત્મક રીતે ૬ શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓને ચેક અને એવોર્ડ તથા ૬ શ્રેષ્ઠ શિક્ષકોને ચેક, શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

‘શતાબ્દી શિક્ષા મહોત્સવ’માં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,* અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે ૧૦૦ વર્ષ પહેલાં જે નૈતિક મૂલ્યો અને આત્મનિર્ભરતાના પાયા પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્થાપના કરી હતી, તે આજે ૪૫૩ શાળાઓ સાથે વટવૃક્ષ બની છે. શિક્ષણથી રાષ્ટ્રનિર્માણના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મંત્રને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ થકી સાકાર કરી રહી છે.

અમદાવાદ સ્કૂલ બોર્ડ સાથે વાઇસ ચેરમેન તરીકેના પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે   આપણા સમર્પિત શિક્ષકો જ્ઞાન પીરસવાની સાથે-સાથે વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચીને તેમની વ્યક્તિગત કાળજી લે છે એ ખરેખર બિરદાવવા લાયક છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.