માલદીવ્સના ‘અડ્ડુ નેચર પાર્ક’ના પ્રતિનિધિમંડળે ગાંધીનગરના ‘ગીર’ ફાઉન્ડેશનની મુલાકાત લીધી
ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે આજે માલદીવ્સના ‘અડ્ડુ નેચર પાર્ક’ના છ સભ્યોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી હતી. “લર્નિંગ એન્ડ એક્સપોઝર વિઝિટ પ્રોગ્રામ” અંતર્ગત યોજાયેલી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાકાંઠાના સંરક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ ક્ષેત્રે જ્ઞાનનું આદાન-પ્રદાન કરવાનો હતો.
આ ટીમમાં અડ્ડુ નેચર પાર્કના ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર અને રેન્જર્સ સહિત કુલ છ સભ્યોનો સમાવેશ થાય છે. આ સમગ્ર અભ્યાસ પ્રવાસનું સંકલન ‘વેય’ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. અગ્ર મુખ્ય વન સંરક્ષક અને ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન તથા ‘ગીર’ ફાઉન્ડેશનના નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ આ મુલાકાત સંપન્ન થઈ હતી.
આ મુલાકાત દરમિયાન ‘ગીર’ ફાઉન્ડેશન ખાતે નાયબ નિયામકશ્રીએ પ્રતિનિધિ મંડળને ‘ગીર’ ફાઉન્ડેશનની જૈવ-વૈવિધ્ય સંશોધન અને પર્યાવરણ શિક્ષણ, ઇન્ટરપ્રિટેશન સેન્ટરનો વિકાસ તથા સમુદાય આધારિત પર્યાવરણ જાગૃતિ અને હિતધારકોની ભાગીદારી જેવી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત અડ્ડુ નેચર પાર્કની ટીમે પણ માલદીવ્સમાં હાથ ધરાતી હેરિટેજ સંરક્ષણ અને જનજાગૃતિની કામગીરીના અનુભવો વ્યક્ત કર્યા હતા.
આ બંને સંસ્થાઓએ ભવિષ્યમાં પર્યાવરણ શિક્ષણ, કેપેસીટી બિલ્ડીંગ અને ઇકો-ટુરિઝમ જેવા ક્ષેત્રોમાં સહયોગ સાધવા માટેની તત્પરતા દર્શાવી હતી. આ મુલાકાત આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ સંરક્ષણ માટે મજબૂત ભાગીદારી અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે.
