ખાલિસ્તાની નેતા પન્નુની હત્યાનું કાવતરું રચ્યાનો આરોપ નિખિલ ગુપ્તાએ સ્વીકાર્યો
નવી દિલ્હી, ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકાની અદાલતમાં પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે.
૧૩ ફેબ્›આરી, ૨૦૨૬ના રોજ મેનહટનની ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુપ્તાએ હત્યાનું કાવતરું ઘડવા અને મની લોન્ડરિંગના આરોપોમાં પોતે દોષિત હોવાનું સ્વીકાર્યું હતું.અગાઉ જૂન ૨૦૨૪માં તેણે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ હવે અમેરિકન મેજિસ્ટ્રેટ જજ સારા નેટબર્ન સમક્ષ અરજી દાખલ કરીને પોતાનો દોષ સ્વીકારી લીધો છે. આ આરોપો સાબિત થવા પર તેને મહત્તમ ૪૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
આ સમગ્ર કાવતરું વર્ષ ૨૦૨૩માં ત્યારે પ્રકાશમાં આવ્યું હતું જ્યારે અમેરિકન સત્તાવાળાઓએ ન્યૂયોર્ક સિટીમાં પન્નુની હત્યાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અમેરિકન અને કેનેડિયન નાગરિકતા ધરાવતો પન્નુ ‘શીખ ફોર જસ્ટિસ’ સંગઠનનો વડો છે, જે ભારતમાં પ્રતિબંધિત છે. અમેરિકન પ્રોસિક્યુટર્સનો આરોપ છે કે નિખિલ ગુપ્તાએ એક ભારતીય સરકારી અધિકારીના નિર્દેશ પર આ યોજના બનાવી હતી અને હત્યા માટે અમેરિકામાં એક વ્યક્તિને ૧૫,૦૦૦ ડોલર રોકડ પણ આપ્યા હતા.
જોકે, ભારત સરકારે આ કેસમાં કોઈપણ પ્રકારની સંડોવણીનો ઈનકાર કર્યાે છે અને સ્પષ્ટ કર્યું છે કે આવી પ્રવૃત્તિઓ સરકારી નીતિની વિરુદ્ધ છે.નિખિલ ગુપ્તાની ધરપકડ જૂન ૨૦૨૩માં ચેક રિપબ્લિકમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ ૨૦૨૪માં તેને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. આ કેસ કેનેડામાં થયેલી અન્ય એક શિખ અલગતાવાદીની હત્યા સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે, જેના કારણે ભારત, અમેરિકા અને કેનેડાના રાજદ્વારી સંબંધો પર માઠી અસર પડી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે સીધી રીતે વિદેશી ધરતી પર રાજકીય હત્યાના કાવતરા સાથે જોડાયેલો છે.હવે જ્યારે નિખિલ ગુપ્તાએ ગુનો સ્વીકારી લીધો છે, ત્યારે આ કેસમાં કાવતરાખોરોની ઊંડી તપાસ માટે નવા માર્ગાે ખૂલી શકે છે.
આ મામલે સજા અંગેની સુનાવણી ૧૫ મેના રોજ હાથ ધરવામાં આવશે. ભારત આ મુદ્દાને આતંકવાદ સાથે જોડી રહ્યું છે, જ્યારે અમેરિકા તેને વ્યક્તિગત સ્વતંત્રતા અને કાયદાના શાસનના ભંગ તરીકે જોઈ રહ્યું છે. આ કબૂલાતથી આગામી સમયમાં ભારત અને અમેરિકા વચ્ચેની રાજદ્વારી ગતિવિધિઓ પર પણ મોટી અસર પડવાની શક્યતા છે.SS1MS
