સોમનાથમાં ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવ્યું
મહાશિવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી, શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં
અમદાવાદ, સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં વિવિધ શિવાયલો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વહેલી જ સવારથી ભક્તોની મંદિરમાં લાંબી લાઈનો લાગી હતી. બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે વહેલી સવારથી જ શિવભક્તોનું કીડીયારું ઉભરાયું હતું.
‘જય સોમનાથ’ અને ‘હર હર મહાદેવ’ના ગગનભેદી જયઘોષ સાથે સોમનાથની પવિત્ર ભૂમિ શિવમય બની ગઈ હતી. ભક્તોના ભારે ધસારાને ધ્યાને રાખી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવના દ્વાર સળંગ ૪૨ કલાક સુધી ભક્તો માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે.
અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પરંપરા મુજબ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા. પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આશરે ૪ લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડતા ભીડ નિયંત્રણ માટે અલગ પ્રવેશ અને નિર્ગમ માર્ગોની વ્યવસ્થા કરાઈ હતી. ટ્રાફિક જામ ન થાય તે માટે વિશેષ રૂટ ડાયવર્ઝન અને ર્પાકિંગ ઝોન ઊભા કરવામાં આવ્યા હતા.
જસદણના વિશ્વપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે પણ મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મંગળા આરતીમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર ખાતે સવારે અને બપોરે એમ બે તબક્કામાં વિશેષ રુદ્રાભિષેકનું આયોજન કરાયું હતું.
મંગળા આરતી બાદ અહીં પણ દાદાની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સોમનાથ અને ઘેલા સોમનાથ ઉપરાંત રાજ્યના નાના-મોટા તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ શિવજીના અભિષેક અને પૂજન માટે લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ બિલ્વપત્ર, દૂધ અને જળાભિષેક દ્વારા મહાદેવની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. રસ્તાઓ પર ઠેર-ઠેર ભાંગના પ્રસાદ અને ફરાળી વાનગીઓના સ્ટોલ પણ જોવા મળ્યા હતા.
