રહેમાનના સલાહકારે કહ્યુઃ ભારત સાથે બાંગ્લાદેશ નવેસરથી સંબંધો ઊભા કરવા માગે છે
(એજન્સી)ઢાકા, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી ના વડા તારીક રહેમાનના સલાહકાર હુમાયુ કબીરે જણાવ્યું હતું કે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેમનો અવામી લીગ પક્ષ હવે સત્તામાં નથી ત્યારે બાંગ્લાદેશ ભારત સાથે નવેસરથી સંબંધો સ્થાપિત કરવા માગે છે, પરંતુ બદલાયેલી આ વાસ્તવિકતાને સ્વીકારવાની જવાબદારી નવી દિલ્હી પર છે.
બંને દેશોએ પરસ્પરના લાભ માટે સાથે મળીને કામ કરવું જોઈએ.બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી ઐતિહાસિક સંસદીય ચૂંટણીમાં રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી નો બે તૃતીયાંશથી વધુ બહુમતી સાથે શાનદાર વિજય થયો હતો.
એક ઇન્ટરવ્યૂમાં કબીરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણીમાં બીએનપીને મળેલા પ્રચંડ જનાદેશ પછી બાંગ્લાદેશમાં બદલાયેલી રાજકીય વાસ્તવિકતાને સ્વીકારવાની જવાબદારી ભારતની છે. ભારતની માનસિકતામાં પરિવર્તન જરૂરી છે.
આજના બાંગ્લાદેશમાં શેખ હસીના અને આવામી લીગ હવે અસ્તિત્વમાં નથી. લોકોએ બીએનપીની તરફેણમાં સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. ૨૦૨૪ના ઓગસ્ટમાં થયેલા બળવા પછી ભારત ભાગી આવેલા શેખ હસીનાને આતંકવાદી ગણાવ્યા હતાં અને તેમને ૧,૫૦૦થી વધુ લોકોના મૃત્યુ માટે જવાબદાર ઠેરવ્યાં હતાં.
કબીરે ભારત સરકારને અનુરોધ કર્યાે હતો કે ભારતે સુનિશ્ચિત કરવું જોઇએ કે શેખ હસીના અથવા અવામી લીગના બીજા નેતાઓ બાંગ્લાદેશમાં અસ્થિરતા ફેલાવવા માટે તેની ભૂમિનો ઉપયોગ ન કરે.
