ડીસા પંથકમાં બટાકામાં ભાવ ગગડતાં ખેડૂતો ચિંતિત
પ્રતિકાત્મક
(એજન્સી)ડીસા, બનાસકાંઠા સહિત સમગ્ર ડીસા તાલુકામાં હાલમાં ખેતરોમાંથી બટાકા કાઢવાની શરૂઆત ખેડૂતોએ કરી દીધી છે. બટાકાનું ઉત્પાદન બમ્પર પ્રમાણમાં થતાં તમામ ખેતરોમાં ઉત્સવનો માહોલ છે પરંતુ બીજી બાજુ ખેડૂત જ્યારે બટાકા લઈ બજારમાં જાય છે ત્યારે પોષણક્ષમ ભાવ પણ મળી નથી રહ્યા નથી.
આમ, ખેતરોમાં ઉત્સવ પણ બજારમાં મંદી જેવી સ્થિતિ ઊભી થઈ છે જે અંગે ખેડૂતો ચિંતા કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં બટાકાનું વાવેતર ગત વર્ષે ૧.૩૧ લાખ હેક્ટર સામે ચાલુ સાલે ૧.૩૯ લાખ હેક્ટર થયું છે જે ૮,૦૦૦ હેક્ટરના વધારાને દર્શાવે છે. જિલ્લામાં ૧.૧૦ લાખ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર ચાલુ વર્ષે થયું છે જેમાં ૫૫૦૦૦થી ૬૦૦૦૦ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર દર વર્ષે થાય છે.
છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં બટાકાનું વાવેતરમાં લગભગ ૧૫ ટકા સુધીનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૫માં ૩૫ લાખ ટન બટાકાનુ ઉત્પાદન થતું હતું તેની સામે આ વર્ષે ૪૮ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે. આમ ઉત્પાદન અને વાવેતર બંને દિનપ્રતિદિન વધતું જાય છે. ગત વર્ષે બટાકાના ભાવ ખૂબ સારા હતા. ૨૪૦થી ૨૫૦ પ્રતિ ૨૦ કિલોના ભાવે વેચાતા હતા.
જોકે, આ વખતે પ્રતિ મણે ૧૦૦થી ૧૫૦ રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. જેથી બનાસકાંઠા સહિત ડીસા માં બટાકાની ખેતીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બાબતે ખેડૂત સોમાજી માળીએ જણાવ્યું કે ડીસા તાલુકામાં જે ખેડૂતો બટાકાનું વાવેતર કર્યું છે, તેમણે વાવેતરનો ખર્ચ પણ ન નીકળે તેટલો ઓછો ભાવ મળી રહ્યો છે.
બટાકા વાવણી સમયે તેનું બિયારણ ઘણું મોંઘુ હોય છે, સાથે જ તેની માવજત અને તેને ખોદાઈ કરીને કાઢવાની મજૂરી પણ ખૂબ જ વધુ હોય છે, જેના કારણે ખેડૂતોને બટાકા વાવણીથી લઈને નીકળવા સુધીની સમગ્ર પ્રક્રિયા મોંઘીદાટ થાય છે. બીજી તરફ ખેડૂતોને માત્ર ૧૦૦થી માંડી ૧૨૦ સુધીનો જ ભાવ હાલ મળી રહ્યો છે જે ખૂબ ઓછો છે. જો ૨૦ કિલો બટાકાના ભાવ ૨૦૦થી વધુ આપવામાં આવે તો જ ખેડૂતને પોસાય તમે છે. આથી આ બાબતે સરકારે વિચારણા કરવાની જરૂર છે.
