માતા મેટરનિટી ફોટોશૂટમાં વ્યસ્ત, ૩ વર્ષનો પુત્ર પૂલમાં ડૂબી ગયો
કર્ણાટક, કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં માતાના મેટરનિટી ફોટોશૂટ દરમિયાન ત્રણ વર્ષના નાનકડા પુત્રનું વોટર પૂલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મૃતક બાળકનું નામ લક્ષ્મી હતું, જે ચરણ અને સ્વાતિનો પુત્ર હતો.
સ્વાતિ હાલ ૮ મહિનાની ગર્ભવતી છે અને તે તેના બીજા બાળકના આગમનની તૈયારીના ભાગરૂપે ફોટોશૂટ કરાવી રહી હતી.આ કરૂણ ઘટના શનિવારે બેંગલુરુના ગિદ્દનહલ્લી વિસ્તારમાં આવેલા એક ખાનગી સ્ટુડિયોમાં બની હતી.
અહીં ફોટોશૂટના ડેકોરેશન માટે એક નાનો આર્ટિફિશિયલ વોટર પૂલ બનાવવામાં આવ્યો હતો. બાળક તેની માતા સાથે સ્ટુડિયોમાં આવ્યું હતું અને રમતા-રમતા અચાનક આ પૂલમાં લપસી પડ્યું હતું. દુર્ઘટના સમયે માતા ફોટોશૂટમાં વ્યસ્ત હતી અને ત્યાં હાજર અન્ય લોકોનું પણ બાળક તરફ તાત્કાલિક ધ્યાન ન ગયું. જ્યારે બાળકને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે બેભાન થઈ ગયો હતો.
તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યાે હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકના પિતા ચરણ તે સમયે કામ અર્થે વિદેશમાં હતા અને ઘટનાની જાણ થતાં જ તેઓ ભારત આવવા રવાના થયા છે. આ અકસ્માત પાછળ પ્રાથમિક દૃષ્ટિએ બેદરકારી કારણભૂત મનાય છે.સ્ટુડિયોમાં પૂલ બનાવતી વખતે સુરક્ષાના પૂરતા નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ દર્દનાક ઘટનાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે. એક તરફ પરિવાર નવા બાળકના સ્વાગતની તૈયારીમાં હતો, ત્યાં જ મોટા પુત્રના અકાળ મોતે સૌને હચમચાવી દીધા છે. આ ઘટના સ્ટુડિયો માલિકો અને વાલીઓ માટે બાળકોની સુરક્ષાને લઈને એક મોટો પાઠ છે, જે યાદ અપાવે છે કે પાણી જેવી જોખમી જગ્યાઓ પાસે બાળકો પ્રત્યે સહેજ પણ બેદરકારી કેટલી ઘાતક સાબિત થઈ શકે છે.SS1MS
