આપણે જે રીતે શીખીએ છીએ તે રીતે Gen Z શીખતા નથી: ચંદ્રમૌલી પાઠક
AMA દ્રારા “અન્ડરસ્ટેન્ડિંગ જેન ઝી” વિષય પર નિષ્ણાતો દ્રારા પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું
અમદાવાદ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્રારા “ડો. ટી. વી. રાવ – એએમએ ફોરમ ફોર ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ”ના હેઠળ “અન્ડરસ્ટેન્ડિંગ જેન ઝી” વિષય પર એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. ટી. વી. રાવ (ચેરમેન, ટીવીઆરએલએસ; ભૂતપૂર્વ પ્રોફેસર, આઈઆઈએમએ) જણાવ્યું હતું કે, “દરેક પેઢી એક વાર્તા લઈને આવે છે.
જેન ઝીની વાર્તા હજુ લખાઈ રહી છે—વર્ગખંડોમાં, બોર્ડરૂમમાં અને ઘરોમાં. ડિજિટલ-ફર્સ્ટ દુનિયામાં જન્મેલી, ઝેન ઝી આપણે કેવી રીતે શીખીએ છીએ, વપરાશ કરીએ છીએ, કામ કરીએ છીએ અને સમાજ સાથે જોડાઈએ છીએ તેને નવો આકાર આપી રહી છે. તેમની માનસિકતાને સમજવી હવે વૈકલ્પિક નથી, પરંતુ ભવિષ્ય ઘડનારા શિક્ષકો, વાલીઓ અને નેતાઓ માટે તે અનિવાર્ય છે.”
શ્રી ચંદ્રમૌલી પાઠકે (શિક્ષણવિદ, એન્ટરપ્રેન્યોરશિપ કોચ અને ફેસિલિટેટર) “જેન ઝી એઝ લર્નર્સ” વિષય પર સંબોધન કરતા જણાવ્યું હતું કે, “તેઓ આપણે જે રીતે શીખીએ છીએ તે રીતે શીખતા નથી અને તેઓ તમારી ઈચ્છા મુજબ શીખશે તેવી અપેક્ષા રાખશો નહીં.”
પ્રો. એલન ડી’સોઝાએ (સલાહકાર, એએમએ; પૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, મુદ્રા કોમ્યુનિકેશન્સ લિ.; સ્થાપક સભ્ય, માઈકા) – “જેન ઝી એઝ કન્ઝ્યુમર્સ” વિષય પર સંબોધન કરતા જણાવ્યું હતું કે, “બ્રાન્ડ હવે એ નથી જે આપણે ગ્રાહકને કહીએ છીએ—તે એ છે જે ગ્રાહકો એકબીજાને કહે છે. બ્રાન્ડ્સે માત્ર ‘કહેવા’થી દૂર જઈને એટલા અધિકૃત બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે ગ્રાહકો એકબીજા સાથે તેમના વિશે હકારાત્મક વાત કરે.”
શ્રી નિખિલ રાવલે (લીડરશિપ અને લર્નિંગ એડવાઇઝરી, ગ્લોબલ એજ્યુકેટર, ટેડએક્સ સ્પીકર) – “જેન ઝી ઓન વર્ક-લાઇફ” વિષય પર સંબોધન કરતા જણાવ્યું હતું કે, “દરેક ડેટા પોઈન્ટ પાછળ એક માનવીય વાર્તા હોય છે, અને દરેક પેઢી પાછળ અનુભવોનો એક અનોખો સમૂહ હોય છે જે તેમના વિશ્વને આકાર આપે છે. ૮૨% થી વધુ જેન ઝી કહે છે કે અધિકૃત હોવું તેમના માટે મહત્વપૂર્ણ છે. જ્યારે તેઓ અર્થ શોધે છે, ત્યારે તેઓ અત્યંત વ્યવહારુ પણ છે; ૮૫% કહે છે કે ‘પગાર અને લાભો’ તેમની પ્રથમ અગ્રતા છે, અને ૭૦% લોકો ‘કારકિર્દીની પ્રગતિ’ ને મુખ્ય પ્રેરક તરીકે જુએ છે.”
શ્રી નિખિલ રાવલે જેન ઝી પેનલ સાથે એક વિશેષ ઇન્ટરેક્ટિવ સત્રનું સંચાલન કર્યું હતું. વાતચીત દરમિયાન, શ્રી નતાશા ભટનાગરે જણાવ્યું હતું કે, “અમે વિચલિત કે ચિંતિત પેઢી નથી. અમે સૌથી વધુ એક્સપોઝર ધરાવતી પેઢી છીએ. અને જો અમે તે એક્સપોઝરને હેતુપૂર્વક વાળતા શીખીશું, તો કદાચ અમે સૌથી પ્રભાવશાળી પેઢી પણ બનીશું.”
શ્રી અખિલ સુદેવે જણાવ્યું હતું કે, “જૂની પધ્ધિતની માર્કેટિંગ જેન ઝી માટે કામ કરતું નથી કારણ કે અમે જાહેરાતો સ્કીપ કરીને મોટા થયા છીએ. તેથી જો તમે અમારું ધ્યાન ખેંચવા માંગતા હોવ, તો અમને વેચો નહીં. વાર્તાઓ કહો, કોઈ અર્થપૂર્ણ બાબત માટે સ્ટેન્ડ લો અને સંબંધો બનાવો.”
શ્રી ઐશ્વર્યા ઠક્કરે જણાવ્યું હતું કે, “જે ક્ષણે આપણે લોકોને પેઢીના આધારે લેબલ કરવાનું બંધ કરીએ છીએ, તે ક્ષણે આપણે તેમને વ્યક્તિ તરીકે સમજવાનું શરૂ કરીએ છીએ, અને ત્યાંથી જ વાસ્તવિક વિકાસની શરૂઆત થાય છે.” શ્રી હીત દોશીએ જણાવ્યું હતું કે, “વ્યક્તિ પાસે બે જીવન હોય છે, અને બીજા જીવનની શરૂઆત ત્યારે થાય છે જ્યારે તેને સમજાય છે કે તેની પાસે માત્ર એક જ જીવન છે.”
