રૂ.૨૨૪૦ કરોડનું સિન્થેટિક ડ્રગ્સ ગુજરાતમાં એક જ વર્ષમાં ઝડપાયું
પ્રતિકાત્મક
છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી કુલ ૧૩,૯૩૯ કરોડ રૂપિયાની કિંમતનું ૧.૭૪ લાખ કિલો સિન્થેટીક ડ્રગ્સ એજન્સીઓએ પકડી પાડ્યું છે.
(એજન્સી)અમદાવાદ, વિકાસશીલ અને સરહદી રાજ્ય ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ સહિતની બદીઓ વિસ્તરી રહી છે. ત્યારે સરકારી એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે, વર્ષ ૨૦૨૫ દરમિયાન જ ગુજરાતમાંથી ૨૨૪૦ કરોડ રૂપિયાનું સિન્થેટીક ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
આ ડ્રગ્સ બનાવતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પકડવાની કામગીરી રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે.ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાની પ્રવૃત્તિ પર અંકુશ મેળવાયા પછી ગુજરાતમાં ગેરકાયદે સિન્થેટીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઉપર પસ્તાળ પાડવામાં આવી છે. વર્ષ ૨૦૨૫માં જ ગુજરાતમાંથી ૨૨૪૦ કરોડ રૂપિયાની કિંમતનું સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે ધમધમતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પકડી પાડવામાં આવી હતી. આ ફેક્ટરીઓમાંથી ૨૨૪૦ કરોડ રૂપિયાનું ૨૦૮૨૩ કિલો સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડમાં આવ્યું છે.
છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી કુલ ૧૩,૯૩૯ કરોડ રૂપિયાની કિંમતનું ૧.૭૪ લાખ કિલો સિન્થેટીક ડ્રગ્સ એજન્સીઓએ પકડી પાડ્યું છે. વર્ષ ૨૦૨૪ દરમિયાન કુલ ૫૮૮ કેસ કરીને ૧૪૭૯ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યા પછી વર્ષ ૨૦૨૫માં ૯૮૦ કેસ કરીને ૨૨૪૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
રાજ્યમાંથી પકડાયેલા ડ્રગ્સમાં મોર્ફિન, કોડેઈન, હેરોઈન, મેથએમ્ફેટામાઇન જેવા ડ્રગ્સનો સમાવેશ થાય છે.સૂત્રોના જણવ્યાનુસાર, ગુજરાતના વિશાળ દરિયાકાંઠેથી સિન્થેટીક ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે અને તે અન્ય રાજ્ય, દેશોમાં મોકલવામાં આવે છે.
