નવસારી જિલ્લા BJP સંગઠનમાં ખદબદી રહેતો છે ભારોભાર અસંતોષ
જલાલપોર તાલુકાને સતત અન્યાય થતો હોવાના આરોપ-નવસારી BJPમાં ભડકોઃ નિમણૂંકના બીજા જ દિવસે ૪ હોદ્દેદારોના રાજીનામા
વાઘને કોણ કહે તારું મોં ગંધાય છે. એવો ટોણો મારતા કયા બે નેતાઓ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.
નવસારી, નવસારી જિલ્લા ભાજપ સંગઠન માળખામાં સમાવિષ્ટ કરાયેલા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, મંત્રી તેમજ કિસાન અને બક્ષીપંચ મોરચાના બે મહામંત્રી મળી નવનિયુક્ત ચાર હોદ્દેદારોએ જલાલપોરને અન્યાય કરવાના આરોપ સાથે હોદ્દા પરથી રાજીનામા આપી દેતા ભીતરમાં ખદબદી રહેતો અસંતોષ સપાટી પર ઉભરી આવ્યો છે.
સોમવારે મોડી સાંજે નવા સંગઠનના નામનો જાહરાત કરવામાં આવી હતી. જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલના જૂથને મહામંત્રી પદ નહીં મળતા અન્યાયની લાગણી પ્રસરી છે.
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખપદે ભુરાભાઈ શાહની સતત બીજી ટર્મ માટે વરણી કરવામાં આવી હતી પરંતુ તેમની સાથેની ટીમની વરણી લાંબા સમયથી થતી ન હતી જેના કારણમાં મહત્ત્વપૂર્ણ ગણાતા પદ માટેની ખેંચતાણ ચાલતી હોવાનું કહેવાય છે.
ખાસ કરીને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ અને નવસારીના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ જૂથ વચ્ચે વર્ચસ્વ જમાવવા બાબતનો વિખવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે જે અવાર-નવાર જાહેર કાર્યક્રમોમાં ભાષણ દરમિયાન શાબ્દિક પ્રહારોથી જોવા મળતું હતું.
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પોતાના ભાષણ દરમિયાન આર.સી.પટેલને જાહેરમાં કહ્યું હતું કે, વાઘને કોણ કહે તારું મોં ગંધાય છે. એવો ટોણો મારતા બન્ને વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.
બીજા એક કાર્યક્રમમાં વિજલપોરમાં આર.સી.પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને તેમની હાજરીમાં જાહેર મંચ પરથી તમે નવસારીનું જુઓ. વિજલપોરનું નહીં એમ કહેતા કાર્યકરોમાં આર.સી.પટેલના વર્ચસ્વને પડકાર ખુદ ભાજપના નેતા કરી રહ્યા હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. આમ લાંબા સમયથી આર.સી.પટેલનું કદ કાપવામાં આવી રહ્યાની લાગણી પ્રવર્તતી હતી.
