Western Times News

Gujarati News

પોસ્કોનો આરોપી બેરેકમાંથી બહાર નીકળ્યોને ચકમો આપી ભાગી ગયો

દેવગઢ બારિયા સબ જેલમાંથી કેદી ફરાર, જેલ વિભાગ અને પોલીસ તંત્ર દોડતું થયું

દાહોદ, સબ જેલમાંથી અનેક વખત કેદીઓ ફરાર થવાની બનેલી ઘટનાના કારણે વગોવાયેલી દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકા મથકે આવેલ સબ જેલમાંથી વધુ એક કેદી ફરાર થયાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ જેલ વિભાગના હવાલે સબ જેલ ગયા બાદ આ પહેલી મોટી ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ લીમખેડા તાલુકાના હાથિયાવન ગામનો રહેવાસી મનોજ ભરત કટારા (ઉ.રર વર્ષ) જેની સામે લીમખેડા પોલીસ મથકે પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધાયેલ છે તેને અંદાજે છે માસ અગાઉ દેવગઢ બારિઆ સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે રાખવામાં આવ્યો હતો.

ગત રોજ રાતના કોઈ કારણોસર તેને જેલની બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ વહેલી સવારે ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓને ચકમો આપી આરોપી મનોજ કટારા સબ જેલમાંથી ફરાર થઈ ગયો હોવાનું કહેવાય છે.

ફરજ પરના પોલીસ જવાનોએ આ બાબતની જાણ જેલરને કરતા જેલર દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી પરંતુ આરોપી મળી ન આવતા આખરે જેલર દ્વારા દેવગઢબારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરાર કેદીની ઘટનાને લઈ જેલ વિભાગ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો કે, આ ઘટનાને પગલે જેલ વિભાગ તેમજ સ્થાનિક પોલીસ તંત્રની ઉંઘ ઉડી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે તેના ધરપકડના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેવગઢ બારિયા સબ જેલ અગાઉ સ્થાનિક મામલતદારના હવાલે હતી

જ્યારે છેલ્લા કેટલાક સમયથી તેનો હવાલો જેલ વિભાગને સોંપવામાં આવ્યો છે તેમ છતાં ફરી એક વખત કેદી ફરાર થવાની ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. દેવગઢબારિયા તાલુકા મથકે આવેલ સબ જેલમાંથી કેદી ફરાર થઈ જવાની આ બીજી ઘટના બનતા જેલતંત્ર અને પોલીસ પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉઠયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.