લુવારા ગામે રસ્તાના કામમાં તંત્રની આળસને કારણે ર૦ દિવસમાં ત્રણ અકસ્માત સર્જાયા !
AI Image
ગારિયાધાર, તાલુકાના લુવારા ગામેથી પસાર થતો ગારીયાધાર-સાવરકુંડલા રોડ પર બન્ને બાજુ નવા સીસી રોડના કામ માટે ર૦ દિવસથી ખોદકામ કરીને મૂકી દેવામાં આવ્યું છે જેના કારણે અલગ અલગ પ્રકારના ત્રણ અકસ્માતના બનાવ બન્યા હતા જેમાં વાહન પલટી મારી જતા ત્રણ મહિલા ઘાયલ થતાં ગારિયાધાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી.
ગારિયાધારના લુવારાગામની બન્ને બાજુએ આરસીસી રોડનું કામ કરવા માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકની એજન્સી દ્વારા ર૦ દિવસથી ખોદીને મેટલ પાથરી દેવામાં આવી હતી જે કામમાં તંત્ર દ્વારા આળસ કરવામાં આવતા આ ર૦ દિવસમાં ત્રણ અલગ અલગ પ્રકારના વાહન પલટી મારી જવાના બનાવો બન્યા હતા.
જેમાં બપોરે ગારિયાધારના પાલડી ગામથી કેરાળા ગામે લગ્ન પ્રસંગના રસોડા માટે જતા મજૂરોનું કેરી વાહન લુવારા ગામની બહાર નીકળતા પલટી મારી ગયું હતું. જેમાં ત્રણ મહિલાને ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ મારફતે ગારિયાધાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. એન્જિનિયરને આગેવાનો દ્વારા ત્રણથી ચાર વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.
