અમદાવાદ બનશે હેલ્થટેક હબ: 300થી વધુ ડોક્ટરો જોડાયા ઇનોવેશન અવેરનેસ કાર્યક્રમમાં
પ્રતિકાત્મક
ડોક્ટરથી ઉદ્યોગસાહસિક સુધીની સફર: i-Hub Gujarat અને AMCની પહેલથી હેલ્થકેર ઇકોસિસ્ટમ મજબૂત બનશે
અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા હેલ્થકેર ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
હેલ્થકેર ઇનોવેશન અને ટ્રાન્સલેશનલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિષયક વ્યાપક સેન્સિટાઈઝેશન કાર્યક્રમ 17 ફેબ્રુઆરી 2026ના રોજ AMC NHL Medical College ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન i-Hub Gujarat અને AMC MET દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમનો મુખ્ય હેતુ મેડિકલ સમુદાયમાં ક્લિનિકલ ઇનોવેશન, ટ્રાન્સલેશનલ રિસર્ચ અને ટેક્નોલોજી આધારિત ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્ર્સ્ટ ઘ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં 300થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સ કે જેમાં ક્લિનિશિયન, સર્જન્સ, એકેડેમિશિયન્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ રેસિડેન્ટ્સ અને મેડિકલ વિદ્યાર્થીઓનો ઉત્સાહભેર સમાવેશ રહ્યો હતો. આ સત્રનો મુખ્ય ઉદ્દેશ હેલ્થકેર ક્ષેત્રમાં ઇનોવેશનના માર્ગો અંગે જાગૃતિ વધારવાનો હતો, જેમાં આઈડિયેશન, પ્રોટોટાઈપિંગ, વેલિડેશન, રેગ્યુલેટરી મુદ્દાઓ અને કોમર્શિયલાઈઝેશન જેવા તબક્કાઓનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં AMC METના ડીન ડૉ. ચેરી શાહે તમામને સંબોધતા હેલ્થકેર ડિલિવરી સિસ્ટમને મજબૂત બનાવવા ક્લિનિશિયન દ્વારા સંચાલિત ઇનોવેશનની અગત્યની ભૂમિકા પર ભાર મુક્યો હતો.
તેમણે દર્દીઓના પરિણામો અને આરોગ્યસેવાની પહોંચ સુધારવા માટે એવિડન્સ આધારિત મેડિસિનને બાયોમેડિકલ ઇનોવેશન, ડિજિટલ હેલ્થ ટેક્નોલોજી અને સ્વદેશી મેડિકલ ડિવાઇસ ડેવલપમેન્ટ સાથે સંકલિત કરવાની જરૂરિયાત દર્શાવી હતી. i-Hub Gujaratના CEO હિરણ્મય મહંતા તેમજ તેમની ટીમે રાજ્ય સમર્થિત ઇનોવેશન ફ્રેમવર્ક અને ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું,
જેમાં ખાસ કરીને “સૃજન સ્ટાર્ટઅપ સીડ સપોર્ટ ગ્રાન્ટ” પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ગ્રાન્ટ પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ અને ફંક્શનલ પ્રોટોટાઈપથી લઈને મિનિમમ વાયેબલ પ્રોડક્ટ (MVP) વેલિડેશન સુધીના આરંભિક ટ્રાન્સલેશનલ વિકાસ માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આ પહેલ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આશ્રય હેઠળ કાર્યરત છે અને ટેક્નોલોજી રેડીનેસ લેવલ (TRL) ઝડપથી વધારવા તેમજ ક્લિનિકલ રીતે ઉપયોગી ઇનોવેશન્સના કોમર્શિયલાઈઝેશનને પ્રોત્સાહન આપે છે.
જ્ઞાન-વિનિમય સત્ર દરમિયાન ગુજરાત આધારિત પાંચ હેલ્થકેર સ્ટાર્ટઅપ્સ જેમ કે, મેટ્રોફ્રેમ વેલનેસ, આયોટા ડાયગ્નોસ્ટિક્સ, સેલ્વો, AIM બાયોપ્સી અને થિકનેસ સ્કિન ગ્રાફ્ટ ડર્મેટોમ ડિવાઇસ દ્વારા તેમના પ્રોડક્ટ ડેવલપમેન્ટ લાઇફ સાયકલ, ક્લિનિકલ વેલિડેશન પ્રક્રિયા, રેગ્યુલેટરી માર્ગદર્શિકા અને ડિપ્લોયમેન્ટ પરિણામોના કેસ સ્ટડી રજૂ કરાયા હતા.
તેમની નવીનતાઓ મેડિકલ ડિવાઇસ, ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મ અને ટેક્નોલોજી આધારિત હેલ્થકેર સોલ્યુશન્સ સુધી વિસ્તરેલી હતી, જે ડિસ્કવરીથી લઈને પેશન્ટ કેર સુધીનું સફળ ટ્રાન્સલેશન દર્શાવે છે.
