Western Times News

Gujarati News

AMCની પર્યાવરણ સુરક્ષા તરફ પહેલ: અમદાવાદમાં 101 સ્થળોએ વૈદિક હોળી ઉજવાશે

ગૌ-સેવા દાન સાથે મળશે હોળી સામગ્રી, રૂ.2500ના ટોકન સાથે છાણા-સ્ટીક બોક્સ ઘરઆંગણે ડિલિવરી થશે : દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં બે વર્ષથી ભારતીય સંસ્કૃતિમાં ઉજવતાં હોળીકા દહનનાં પર્વને વૈદિક હોળીનાં કોન્સેપ્ટ તરીકે વધુને વધુ પ્રોત્સાહન આપવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોળીકા દહનથી થતાં કાર્બન ડાયોક્સાઇડનાં પ્રમાણને ઘટાડવા માટે ગાયનાં છાણમાંથી બનતી સ્ટીક અને છાણાનો હોળીકા દહનમાં ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ/કાર્બન ઉત્સર્જન ઘટાડી પર્યાવરણનું જતન કરી વાતાવરણની અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરેલી વૈદિક હોળીની આ પહેલ દ્વારા  નાગરિકો હોળીની વૈદિક પદ્ધતિથી ઉજવણી કરીને વાતાવરણને શુદ્ધ રાખી શકે છે.

આ શુભ આશયની શરૂઆત વર્ષ 2024માં કરવામાં આવી હતી ત્યારબાદ તેને 2025માં પણ સતત ચાલુ રાખવામાં આવી હતી. જે અન્વયે શહેરનાં વિવિધ ઝોનમાં અનુક્રમે 11 અને 42 જેટલા સ્થળો પર હોળીનાં પર્વને વૈદિક રીતે ઉજવવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ  2026માં વૈદિક હોળીની ઉજવણી શહેરનાં સાત ઝોનમાં અંદાજે 101 જેટલાં વિવિધ સ્થળો પર ઉજવવામાં આવનાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના સાતેય ઝોનમાં ઝોનદીઠ સ્વચ્છતામાં બેસ્ટ સોસાયટીનો એવોર્ડ પ્રાપ્ત કરેલ આદર્શ સોસાયટી તથા ઝોનના બે મોટા ધાર્મિક/મોટા સંસ્થાનો/સ્થળો પર વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવશે.

સી.એન.સી.ડી. વિભાગના કૃપા મંદિર દ્વારા ગાયના છાણમાંથી બનેલા છાણા તથા સ્ટીકના બોક્સ તૈયાર કરી રૂ.2500/- ના ટોકનને ગૌ-સેવા ઓનલાઈન દાનની રસીદ સાથે સંબંધિત સોસાયટી/ચાલી/સ્થળના જવાબદાર વ્યક્તિની જરૂરી વિગતો મેળવી હોળી પર્વ પહેલા અંદાજે એક-બે દિવસ પૂર્વે ડિલિવરી કરવામાં આવશે.

છેલ્લાં એક વર્ષ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત 21 જેટલા Smashanma ગાયના છાણમાંથી બનેલી કુલ 4800 કિ.ગ્રા જેટલી સ્ટીક ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

તેમજ 8500 નંગ જેટલા છાણા (ટીકી) નાગરવેલ હનુમાન મંદિર, જગન્નાથ મંદિર, ગાયત્રી મંદિર અને સોમનાથ મંદિર જેવી પ્રસિદ્ધ ધાર્મિક સંસ્થાઓમાં હવન-યજ્ઞ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વૈદિક હોળી ઉજવણી દરમ્યાન પર્યાવરણનું જતન થાય તે હેતુસર વિવિધ સોસાયટીઓ અને શાળાઓના રહીશો સાથે સંવાદ તેમજ આઇ.ઇ.સીની કામગીરી સી.એન.સી.ડી. વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત છાણમાંથી વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. દૈનિક જનરેટ થતા છાણને મુનિ. કોર્પો.ની ગૌશાળા સાઇટ પર ખાતર બનાવી સંગ્રહ કરવામાં આવે છે અને પ્રક્રિયા બાદ તૈયાર ખાતરનો ઉપયોગ મુનિ. કોર્પો.ના 250 જેટલા ગાર્ડનમાં રોપા ઉછેર, નર્સરી તથા સોઇલ એનરિચર તરીકે થાય છે. છાણમાંથી ખાતર, કોડીયા, કુંડા, ઓર્ગેનિક મટીરીયલ, સોઇલ એનરિચર, બાયોગેસ તથા ગેસ જનરેટ કરી રોટી બનાવવાની પ્રવૃત્તિઓ થાય છે.

છાણા અને કોડીયા માટે વિવિધ ધાર્મિક સંસ્થાઓ તથા વિવિધ મોટી સંસ્થાઓ પાસેથી વપરાશ જથ્થાની ઇન્કવાયરી મંગાવવામાં આવી છે. છાણા અને સ્ટીકનો કોમર્શિયલ જગ્યાઓ તથા અન્ય બળતણના વિકલ્પ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, છાણમાંથી બનતા એકમો દ્વારા ખાતરનો ઉપયોગ છાણમાંથી બનાવાતા કુંડા વગેરે નર્સરીમાં માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.