Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લા કોંગ્રેસનો પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ દાવલી ખાતે યોજાયો

બિસ્માર રસ્તાઓ મુદ્દે સરકાર અને તંત્ર સામે ઉગ્ર વિરોધ

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના બિસ્માર રસ્તાઓના પ્રશ્ને મોડાસા તાલુકાના દાવલી ગામે પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજાયો. દાવલી–સરડોઈ–રખિયાલ તેમજ રખિયાલ–માલવણ–કેશાપુર માર્ગોની અત્યંત ખરાબ હાલતને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના રસ્તાઓ પરના ખાડાઓ સમયસર પૂરવામાં આવતા નથી અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી રહી છે.

ઘણા માર્ગોને પહોળા કરવાની તાત્કાલિક જરૂરિયાત હોવા છતાં કામ હાથ ધરાતું નથી. ચાલી રહેલા કામો સમયમર્યાદામાં પૂર્ણ થતા નથી અને માર્ગોની કામગીરીમાં મોટેપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક સુધારણા કામ શરૂ નહીં થાય તો કોંગ્રેસ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહિરે જણાવ્યું હતું કે ચોમાસામાં રસ્તાઓ ખરાબ થવું સમજાય તેવી બાબત છે, પરંતુ હાલ સુકા મોસમમાં પણ રસ્તાઓનું સમારકામ ન થવું અત્યંત દુઃખદ છે. કોંગ્રેસ પ્રજાનો અવાજ બની સરકાર સામે લડત ચાલુ રાખશે અને લોકોને ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરશે.

કાર્યક્રમમાં મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. મહિલાઓ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે આવી ભજન-કીર્તન કરીને સરકાર અને અધિકારીઓને સદબુદ્ધિ મળે અને જિલ્લાના રસ્તાઓનું કામ તાત્કાલિક શરૂ થાય તેવી પ્રાર્થના કરી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, હિંમતસિંહ પરમાર, વદનસિંહ મકવાણ, રાજુભાઈ વણકર, કિશોરસિંહ રાવ, શક્તિભાઈ પટેલ સહિત જિલ્લા અને તાલુકાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.