Western Times News

Gujarati News

સરનામું પૂછવાના બહાને કારમાં આવેલા ગઠિયાઓ સોનાની વીંટી અને ચેઈન લૂંટી ફરાર

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકાના નરસંડા ગામની સીમમાં સરનામું પૂછવાના બહાને સફેદ કલરની કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ બે મિત્રોને આંકડાના પાન સૂંઘાડી અર્ધબેભાન જેવી અવસ્થામાં લાવી સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી . આ મામલે ભોગ બનનાર યુવકે વડતાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના કણજરીમાં રહેતા વિજયકુમાર ઝવેરભાઈ પટેલ અને તેમના મિત્ર રાજેશભાઈ મંગળભાઈ પટેલ નરસંડા ગામ પાસે ઉભા હતા, ત્યારે એક સફેદ રંગની સ્કોર્પિયો જેવી ગાડી તેમની પાસે આવી ઉભી રહી હતી. ગાડીમાં સવાર શખ્સોએ નડિયાદ જવાના રસ્તા અને સંતરામ મંદિરના સરનામા અંગે પૂછપરછ કરી હતી.

આ દરમિયાન ગાડીમાં બેઠેલા એક સાધુ વેશધારી શખ્સે બંને મિત્રોને પોતાની પાસે બોલાવ્યા હતા અને “તમારા પર કોઈની ખરાબ નજર છે” તેમ કહી વિશ્વાસમાં લીધા હતા.ત્યારબાદ આ શખ્સે બંને મિત્રો પાસે આંકડાના પાન મંગાવ્યા હતા. મિત્રો પાન લઈને આવતા સાધુએ આ પાન તેમના નાક પાસે ફેરવી કંઈક ક્રિયા કરી હતી. આ પાન સૂંઘતા જ બંને મિત્રોની શાન-ભાન ગુમ થઈ ગઈ હતી અને તેઓ અર્ધબેભાન જેવી સ્થિતિમાં આવી ગયા હતા.

આ તકનો લાભ લઈ ગઠિયાઓએ વિજયકુમારના હાથમાંથી સોનાની ૧ તોલાની વીંટી અને ગળામાંથી શ્રીનાથજીના પેન્ડન્ટવાળી સોનાની ચેઈન મળી અંદાજે રૂ. ૧,૧૫,૦૦૦ની મતાની લૂંટ ચલાવી હતી.લૂંટ ચલાવ્યા બાદ કારમાં સવાર શખ્સો અને ચાલક પોતાની ગાડી લઈ નરસંડા ચોકડી તરફ પૂરઝડપે ફરાર થઈ ગયા હતા.

થોડીવાર બાદ ભાનમાં આવતા વિજયકુમારને પોતાની વીંટી અને ચેઈન ગાયબ હોવાનું માલૂમ પડ્‌યું હતું. આ અંગે તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે લૂંટારુ ગેંગને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.