Western Times News

Gujarati News

ગુજરાતમાં આજે ૫ાંચ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

File Photo

ભરૂચ, રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એકતરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે આજે ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું હતું. તેજ પવન સાથે પડેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. જ્યારે આજે સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

સોમવારે વહેલી સવારથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેજ ઠંડા પવનો અને ઝરમર વરસાદને કારણે વાહનચાલકોને વિઝિબિલિટી ઘટતા મુશ્કેલી પડી હતી. આ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે.

તૈયાર પાક પર પાણી ફરી વળતા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઘઉં, કપાસ, તુવેર અને રવિ પાકને નુકસાન થવાની સંભાવના. શાકભાજીના પાકમાં પણ રોગચાળો વધવાની અને ગુણવત્તા બગડવાની ખેડૂતોને ચિંતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભલે આજે વરસાદી માહોલ રહ્યો, પરંતુ આગામી એક અઠવાડિયા દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. જોકે, તાપમાનમાં મોટા ફેરફારો જોવા મળશે.

આગામી ૨-૩ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થશે. ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાતા પવનોને કારણે ફરી ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડાની સૌથી વધુ અસર જોવા મળશે.

જ્યારે ઉત્તર ગુજરાતના તાપમાન ૧થી ૨ ડિગ્રી નીચે જઈ શકે છે, જોકે અહીં ફેરફાર સામાન્ય રહેશે.એક તરફ બપોરે ગરમી અને વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીના અનુભવને કારણે ‘ડબલ સીઝન’ જેવો માહોલ સર્જાયો છે. તબીબોએ આ બદલાતા વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન અને શરદી-ઉધરસથી બચવા સાવચેતી રાખવાની સલાહ આપી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.