Western Times News

Gujarati News

ઈરાન સામે યુદ્ધ લડવા દરિયામાં ઉતરેલું અમેરિકા વિચિત્ર સંકટમાં ફસાયું

વાશિગ્ટન, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમ પર છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. બંને દેશો વચ્ચે કોઈપણ સમયે યુદ્ધ ફાટી નીકળવાની આશંકા છે. ઈરાનને ઘેરવા માટે અમેરિકાએ દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડને મધ્ય-પૂર્વના દરિયામાં તૈનાત કર્યું છે. જોકે, ઈરાન સામે લડતા પહેલા અમેરિકાનું આ જહાજ અજીબોગરીબ સ્થિતિમાં સપડાયું છે.

આ જહાજ પર તૈનાત સૈનિકો ઈરાન સામે લડતા પહેલાં મધદરિયે આમને-સામને લડી રહ્યા છે અને તે પણ ટોઈલેટ માટે.દુનિયાના સૌથી મોંઘા અને શક્તિશાળી અમેરિકન જહાજ પર અજીબોગરીબ સમસ્યાએ ૫,૦૦૦ જેટલા સૈનિકોની મુશ્કેલી વધારી દીધી છે.

પરમાણુ ઊર્જાથી ચાલતા આ જહાજની સીવેજ સિસ્ટમ એટલે કે ટોઈલેટ સિસ્ટમ વારંવાર ફેઈલ થઈ રહી છે. પરિણામે ૧૩ અબજ ડોલર (અંદાજે રૂ. ૧ લાખ કરોડ)ના ખર્ચે બનેલા યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ જહાજમાં સૈનિકો સમુદ્રમાં દુશ્મનો નહીં પરંતુ પોતાના જ ટોઈલેટ સામે યુદ્ધ લડી રહ્યા છે.અનેક મીડિયા રિપોટ્‌ર્સ મુજબ આ જહાજ પર તૈનાત સૈનિકોનું જીવન હાલ બદતર બની ગયું છે.

દરરોજ ૫,૦૦૦ જેટલા સૈનિકોએ ટોઈલેટ માટે ૪૫ મિનિટ જેટલા સમય સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ જૂન ૨૦૨૫થી સમુદ્રમાં તૈનાત છે. જાન્યુઆરીમાં આ જહાજે વેનેઝુએલા પર અમેરિકન કાર્યવાહી દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના પગલે વેનેઝુએલામાં અમેરિકન સૈનિકોએ કોઈ મોટી જાનહાનિ વિના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી હતી.હવે આ જહાજ ઈરાન સામે લડવા મધ્ય-પૂર્વના દરિયામાં તૈનાત કરાયું છે. દુનિયાના સૌથી મોંઘા આ જહાજ પર અંદાજે ૬૫૦ જેટલા ટોઈલેટ છે, જેમાંથી મોટાભાગના કામ નથી કરી રહ્યા.

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ સતત સમુદ્રમાં રહેવાના કારણે જહાજનું નિયમિત મેઈન્ટેનન્સ નથી થઈ રહ્યું.કરોડો ડોલરના ખર્ચે બનેલા આ જહાજ પર ક્‰ઝ જહાજોવાળી ‘વેક્યુમ ટેકનિક’નો ઉપયોગ કરાયો છે, જેથી પાણીનો ઓછો વપરાશ થઈ શકે, પરંતુ તેનાથી એકદમ વિપરિત સ્થિતિ ઊભી થઈ છે. ૫,૦૦૦ જેટલા સૈનિકોના મળમૂત્રના નિકાલ માટે આ પાઈપ ખૂબ જ પાતળા સાબિત થઈ રહ્યા છે.

પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જહાજ પરના એન્જિનિયર ૧૯-૧૯ કલાક સુધી કામ કરી રહ્યા છે અને ગંદગી સાફ કરી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ આ પાઈપોમાં જામ ગંદગી સાફ કરવા માટે ખાસ એસિડ ફ્લશ કરવું પડે છે, જેના માટે એક વખતનો ખર્ચાે અંદાજે ચાર લાખ કરોડ ડોલર આવે છે.

અમેરિકન નેવીનું કહેવું છે કે ટોઈલેટની આ સમસ્યાથી જહાજની લડાયક તાકાત પર કોઈ અસર નહીં પડે. પરંતુ અનેક મીડિયા અહેવાલો મુજબ જહાજ પરના યુવાન સૈનિકો એટલા કંટાળી ગયા છે કે તેઓ અમેરિકા પાછા ફર્યા પછી સેના છોડવાનું પણ વિચારી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.