Western Times News

Gujarati News

હિમાચલ પોલીસે દિલ્હી પોલીસ ટીમ સામે કેસ કરી પાંચ કલાક અટકાયતમાં રાખી

શિમલા, દિલ્હીમાં એઆઇ સમિટમાં યુથ કોંગ્રેસના શર્ટ વગર વિરોધ પ્રદર્શનમાં નવો વળાંક આવ્યો હતો. આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ અને હિમાચલ પ્રદેશની શિમલા પોલીસ સામસામે આવી ગઇ હતી.

દિલ્હી પોલીસની ટીમ શિમલા પહોંચી હતી જ્યાં તેને શિમલા પોલીસ દ્વારા પાંચ કલાક સુધી અટકાયતમાં રખાઇ હતી. આખી રાત દિલ્હી અને હિમાચલ પ્રદેશ પોલીસ વચ્ચે અટકાયત મુદ્દે વિવાદ ચાલતો રહ્યો અને આશરે ૨૪ કલાક બાદ મામલો થાળે પડયો હતો.

બુધવારે સાંજે હિમાચલ પ્રદેશ પોલીસે દિલ્હી પોલીસના કર્મચારીઓની સામે અપહરણનો કેસ દાખલ કર્યાે હતો, એટલુ જ નહીં તેમના વાહનોને પણ શિમલા પાસે ડિટેઇન કરાયા હતા, દિલ્હી પોલીસની ટીમ ત્રણ યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓને કસ્ટડીમાં લઇને દિલ્હી તરફ જઇ રહી હતી ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ત્રણેય યૂથ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને દિલ્હી પોલીસની ટીમ તમામને હિમાચલ પ્રદેશ પોલીસ મોડી રાત્રે દોઢ વાગ્યે સ્થાનિક એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને ત્યાં લઇ ગઇ હતી, જ્યાં યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થયા હતા જે બાદ દિલ્હી પોલીસ પરત દિલ્હી તરફ રવાના થઇ ગઇ હતી.

જોકે બાદમાં સવારે શિમલા સિટીમાં વહેલી સવારે કાનલોગમાં ફરી દિલ્હી પોલીસ ટીમની અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી જે પણ પોલીસકર્મીઓ પર અપહરણના આરોપ હતા તેમને રોકાવા અને તપાસમાં સહકાર આપવા જ્યારે બાકીના અન્ય પોલીસકર્મીઓને દિલ્હી જતા રહેવા કહેવામાં આવ્યું હતું.

શિમલા પોલીસે દિલ્હી પોલીસ પાસેથી ડિજિટલ પુરાવા પણ માગ્યા હતા જે તપાસ દરમિયાન હાથ લાગ્યા હતા. આ પુરાવા કોંગ્રેસ કાર્યકર્તા રોહરુની અટકાયત દરમિયાન ગેરકાયદે મેળવાયા હતા તેવો દાવો થઇ રહ્યો છે. દિલ્હી પોલીસે નિયમોનું પાલન કર્યા વગર હિમાચલમાંથી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હોવાનો આરોપ થયો હતો.

દિલ્હી પોલીસે બાદમાં પોતાની ટીમના તમામ લોકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે દિલ્હી જવાનું નક્કી કર્યું અને ટીમના સભ્યોને પાછળ ના છોડયા, જોકે શિમલા પોલીસે આગળ શોઘી બોર્ડર પાસે બેરિકેડ લગાવીને ફરી દિલ્હી પોલીસની ટીમની અટકાયત કરી હતી. પહેલી અટકાયત બાદ આ અટકાયત સવારે વહેલા ચાર વાગ્યે થઇ હતી.

દિલ્હી પોલીસે એવી દલીલ આપી કે જો અમારી પાસેથી પુરાવા મેળવવા હોય તો કોપી માટે લેખિતમાં અરજી કરવી પડે. અંતે શિમલા પોલીસે દિલ્હી પોલીસને ત્રણેય આરોપીઓની સાથે જવા દીધી હતી. જોકે આખી રાત આ વિવાદ ચાલ્યો હતો. જે ત્રણ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાઇ છે તેમને દિલ્હીમાં સ્થાનિક મેજિસ્ટ્રેટ સામે રજુ કરાશે. આ સમગ્ર ઘટનાક્રમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.