Western Times News

Gujarati News

ટાંકીના કામમાં ગેરરીતિ ઢાંકવા કોન્ટ્રાક્ટરે કેમિકલના પીછડા મરાયા

પ્રતિકાત્મક

વડિયા, વડિયા કુંકાવાવ તાલુકાનું અંતરિયાળ ગામ દેવળકી આમ તો રાજકીય સીમાંકન પીડિત ગામ છે. તેના સંસદસભ્ય પોરબંદર, ધારાસભ્ય જેતપુર અને જિલ્લા તાલુકાના સદસ્ય અમરેલીમાં આવે છે તેથી આ ગામના લોકોના પ્રશ્રો અને મુંઝવણ દૂર કરવા સતત મથામણ કરતા જોવા મળે છે.

આ ગામના લોકોને વ્યવસ્થિત કાયમી પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વાસ્મો યોજનામાં લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની ઉંચી ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકી બન્યાના બે વર્ષ થયા. પરંતુ આ ટાંકી બનતી હતી ત્યારથી નબળી ગુણવત્તાવાળા કામ બાબતે તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા હતા.

પરંતુ ગામમાં પાછળના ત્રણ વર્ષમાં વહીવટદાર શાસન હોવાથી જાણે કોઈ સાંભળનાર જ ન હોય તેમ આ પાણીની ટાંકીના કામમાં ભ્રષ્ટાચારે માઝા મુક્યાનું લોકો જણાવી રહ્યા છે. લોકોના જણાવ્યા અનુસાર આ પાણીની ટાંકી ઉપર જતા ત્રાસી બની છે. સૌ પ્રથમવાર તે બન્યા બાદ પાણી ભરાયું ત્યારે તેમાંથી પાણી ટપકતું હતું બાદ તે ભ્રષ્ટાચારને છુપાવવા માટે તેમાંથી પાણી ખાલી કરીને કેમિકલ મારવામાં આવ્યું હતું.

હાલ આ ટાંકીમાં પાણી ભરવામાં આવે છે. પરંતુ તેનું આયુષ્ય ટુકું છે ત્યારે અનેકવાર આ ભ્રષ્ટાચાર બાબતે રજુઆત કરવામાં આવી હતી. આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી. તો આ બાબતે તટસ્થ તપાસ કરી જો કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર આચરાયો હોય તો કડક કાર્યવાહી કરવી જરૂરી બને છે.

સ્થાનિક લોકો અને આગેવાનો જે રીતે જણાવી રહ્યા છે તે મુજબ આ ટાંકીનું નબળુ કામ થયું હોય તો ટાંકી લીકેજ થઈ તૂટી શકે છે તેની તપાસ કરી આ ટાંકીની કેપિસિટી અને ક્ષમતા પણ ચેક કરવા જરૂરી છે અન્યથા માનવ વસવાટ વાળા વિસ્તારમાં આવેલી આ ટાંકી કોઈ નિર્દોષ લોકોનો ભોગ લઈ શકે, મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે શું અમરેલી જિલ્લાનું તંત્ર આ બાબતે કયારે તટસ્થ તપાસ કરાવે છે કે પછી સબ સલામતના ગુણગાન ગાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.