ગોધરાના જહુરપુરા પાસે આવેલ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી
પોલીસે તાત્કાલિક એક્શન લઈ સઘન તપાસ હાથ ધરી છતાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરમાં જહુરપુરા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર સતર્ક બની ગયું હતું. રાજ્યભરની વિવિધ પોસ્ટ ઓફિસોને નિશાન બનાવવાની ચેતવણી આપતો એક ધમકીભર્યો ઈ-મેઈલ મળતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા ઈ-મેઈલમાં રાજ્યની અનેક પોસ્ટ ઓફિસોમાં વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગોધરા ના ડ્ઢઅજીઁ બ્રિન્દા જાડેજા, એલ.સી.બી. પી.આઇ. એન.એલ. દેસાઈ તેમજ ગોધરા શહેર બી ડિવિઝન પી આઈ. આર.કે રાજપુત સહિત સમગ્ર પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.
સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસમાંથી તમામ ગ્રાહકો અને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા હતા .અને આસપાસ ના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બોમ્બ સ્ક્વોડની મદદથી સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. દરેક ખૂણાની બારીકીથી તપાસ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી, છતાં સાવચેતીના ભાગરૂપે પોલીસે વિસ્તારને થોડો સમય માટે ઘેરી રાખ્યો હતો.
આ ઘટનાને પગલે રાજ્યભરની પોસ્ટ ઓફિસોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
સાઇબર ક્રાઇમ સેલ દ્વારા ધમકીભર્યા ઈ-મેઈલના સોર્સ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ અંગે તરત જ જાણ કરવા અપીલ કરી છે.
