Western Times News

Gujarati News

મુસ્લિમ દેશના વડાએ જ ટ્રમ્પને વારેવારે ફોન કરીને ઈરાન પર હુમલો કરવા ઉશ્કેર્યા

મુંબઈ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ગુપ્ત વાતચીતનો પર્દાફાશ. ઈરાન પર હુમલો કરવા માટે સાઉદીએ કરેલા દબાણની વિગતો અને બેવડા ધોરણોની સંપૂર્ણ માહિતી અમેરિકાના વોશિંગ્ટન ખાતેથી પ્રસિદ્ધ થયેલા એક સનસનાટીભર્યા અહેવાલે વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

આ અહેવાલ અનુસાર, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર લશ્કરી હુમલો કરવા માટે અનેકવાર ખાનગી ટેલિફોન કોલ કરીને ઉશ્કેરણી કરી હતી.

વિશ્વ સમક્ષ શાંતિદૂત તરીકેની છબી રાખનાર સાઉદી અરેબિયા પડદા પાછળ ઈરાનને સૈન્ય તાકાતથી કચડી નાખવા માટે લોબિંગ કરી રહ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય પૂર્વમાં ઈરાનના વધતા પ્રભાવને રોકવાનો અને પોતાની પ્રાદેશિક સર્વાેપરિતા જાળવી રાખવાનો હતો.વોશિંગ્ટન પોસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ સમગ્ર મામલાથી માહિતગાર ૪ જેટલી વિશ્વસનીય વ્યક્તિઓએ પુષ્ટિ કરી છે કે મોહમ્મદ બિન સલમાન (એમબીએસ) એ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અત્યંત ગોપનીય રીતે વાતચીત કરી હતી. આ સંવાદો દરમિયાન, જ્યારે ટ્રમ્પ ઈરાન સાથેના પ્રશ્નોનો ઉકેલ રાજદ્વારી રીતે લાવવા ઈચ્છતા હતા, ત્યારે સાઉદી પ્રિન્સ તેમને સીધા સૈન્ય હુમલા માટે આગ્રહ કરી રહ્યા હતા.

એમબીએસએ ટ્રમ્પને એવી ખાતરી પણ આપી હતી કે જો ઈરાન વળતો પ્રહાર કરશે, તો સાઉદી અરેબિયા તેલના પુરવઠામાં કોઈ અડચણ આવવા દેશે નહીં અને અમેરિકાને તમામ પ્રાદેશિક સુરક્ષા સહયોગ પૂરો પાડશે.ઈરાનના સર્વાેચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાન બાદ આ પ્રકારના ખુલાસા થતા મુસ્લિમ જગતમાં આશ્ચર્ય અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

એક તરફ સાઉદી અરેબિયા જાહેરમાં ઈસ્લામિક એકતાની વાતો કરતું હતું અને ચીનની મધ્યસ્થતાથી ઈરાન સાથે સંબંધો સુધારવાનો ડોળ કરતું હતું, તો બીજી તરફ તે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂની જેમ જ અમેરિકા પર ઈરાન વિરુદ્ધ યુદ્ધ છેડવા દબાણ કરતું હતું. આ ઘટસ્ફોટ દર્શાવે છે કે સાઉદી અરેબિયાએ હંમેશા પોતાના અંગત હિતોને સર્વાેપરી ગણ્યા છે.અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે એમબીએસએ વ્હાઇટ હાઉસમાં પોતાની વાત મનાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર સાથેની તેમની ગાઢ મિત્રતાનો પૂરેપૂરો ઉપયોગ કર્યાે હતો.

સલમાને ટ્રમ્પને ચેતવણી આપી હતી કે જો ઈરાનને લશ્કરી કાર્યવાહી દ્વારા રોકવામાં નહીં આવે, તો તે ભવિષ્યમાં વધુ શક્તિશાળી બનીને અમેરિકા અને તેના સાથી દેશો માટે મોટો ખતરો સાબિત થશે. આમ, સાઉદી અરેબિયાએ એક કુશળ ખેલાડીની જેમ પડદા પાછળ રહીને ઈરાન વિરુદ્ધ યુદ્ધની ચિનગારી ચાંપવાનો પ્રયાસ કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.