Western Times News

Gujarati News

તુંબાડ ૨માં સોહમ શાહ સાથે નવાઝુદ્દીનની એન્ટ્રી પાક્કી

મુંબઈ, યશ સોહમની ક્લાસિક હોરર ફિલ્મ તુંબાડની સિક્વલમાં નવાઝુદ્દીન સિદ્દીકીના નામની ચર્ચા થોડાં સમયથી હતી, હવે તેની એન્ટ્રી આ ફિલ્મમાં કન્ફર્મ થઈ ગઈ છે.

આ લોકકથાઓ આધારીત ફ્રેન્ચાઇઝીમાં નવાઝુદ્દીનની એન્ટ્રી મહત્વની બની ગઈ છે. હજુ આ ફિલ્મની વાર્તા વિશે કોઈ માહિતી જાહેર થઈ નથી, પરંતુ નવાઝ આ ફિલ્મમાં મહત્વના રોલમાં હશે, તે નક્કી છે.

સોહમ શાહ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પેન મુવીઝ સાથે એક તસવીર શેર કરી હતી, જેમાં તુંબાડના જાણીતા ગર્ભના સીનમાં સોહમ શાહ સાથે નવાઝુદ્દીન ઉભા પગે બેઠેલો છે, તેમના બંનેના હાથમાં ફિલ્મની જાણીતી ગુડિયા છે અને તેમની સામે સોના મહોરોનો ઘડો પણ પડ્યો છે, સાથે જ સોહમના હાથમાં તેનું જાણીતું ફાનસ પણ છે.

સોહમે આ તસવીર શેર કરતા કૅપ્શનમાં લખ્યું હતું, “અમને એ જાહેર કરતાં ખુબ આનંદ થાય છે કે આજના સમયના પ્રતિભાશાળી કલાકરોમાંના એક નવાઝુદ્દીન સિદ્દીકી તુંબાડ ૨માં જોડાયા છે. વેલકમ નવાઝભાઈ.’આ ફિલ્મમાં જોડાવા અંગે નવાઝુદ્દીને કહ્યું, “તુંબાડની ઓરિજિનલ સ્ટોરી અને તેની વાર્તા કહેવાની શૈલી માટે હું હંમેશા તેનો પ્રસંશક રહ્યો છું. સોહમે જ્યારે સિક્વલ માટની વાર્તા કહી તો મને તેની સ્ટોરી ગમી અને હું પણ એમની સફરમાં જોડાઈ ગયો.

આ પ્રકારના સ્તરની ફિલ્મ માટે પેન સ્ટુડિયો અને સોહમ શાહ સાથે જોડાવું એ મારા માટે ઘણી ઉત્સાહની વાત છે. હું જે પાત્ર કરું છું એમાં ઘણા સ્તર છે, હું આ જુસ્સાભરી ટીમ સાથે તેમના યુનિવર્સમાં ખોવાઈ જવા માગું છું.”જ્યારે ફિલ્મના એક્ટર પ્રોડ્યુસર સોહમ શાહે જણાવ્યું હતું, “નવાઝ સર આ ફિલ્મમાં અમારી સાથે આવતા અમારો પણ ઉત્સાહ વધી ગયો છે. એ એક એવા કલાકાર છે, જે કોઈ પણ રોલ લે છે, તેમાં બેજોડ તીવ્રતા અને વિશ્વસનીયતા લઇને આવે છે.

સિક્વલની ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક બાબતમાં નવાઝનો રોલ ઘણો મહત્વનો બની રહેશે. અમને લાગે છે કે નવાઝ સરના જોડાવાથી ફિલ્મનું ઉંડાણ અને અસર અલગ સ્તર પર પહોંચી જશે.”સોહમ શાહની આ અનાઉન્સમેન્ટ પર ફૅન્સ પણ ઉત્સાહમાં આવી ગયા હતા અને ફિલ્મ અંગે ઉસ્તુકતા વ્યક્ત કરી હતી. ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે, આગળનું કાસ્ટિંગ હજુ જાહેર થયું નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.