શેલા ખાતે અખિલ ગુજરાત હાર્ડવેર એસોસિએશનની ભવ્ય AGM યોજાઈ
૧૦૦૦થી વધુ સભ્યોની ઉપસ્થિતિમાં વેપારી સંગઠનને મજબૂત કરવા સંકલ્પ
અમદાવાદ: તાજેતરમાં અમદાવાદના શેલા સ્થિત ઔડા ઑડિટોરિયમ ખાતે ‘અખિલ ગુજરાત હાર્ડવેર એસોસિએશન’ની વાર્ષિક સાધારણ સભા (AGM) ઉત્સાહભેર યોજાઈ ગઈ. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી એસોસિએશનના ૧૦૦૦થી પણ વધુ સભ્યોએ હાજરી આપી પોતાની એકતાનું પ્રદર્શન કર્યું હતું.
સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ પ્રસંગે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સભ્યોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતાલક્ષી અભિગમ દાખવ્યો હતો.
એસોસિએશનના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ પટેલ અને તેમની કારોબારી સમિતિના માર્ગદર્શન હેઠળ વિવિધ મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સભાનો મુખ્ય ઉદ્દેશ્ય:
-
એસોસિએશનને વધુ મજબૂત અને સંગઠિત બનાવવો.
-
હાર્ડવેર વેપારીઓના ધંધા-રોજગારના વિકાસ માટે નવી તકો શોધવી.
-
વેપારમાં નડતી મુશ્કેલીઓ અને તકલીફોના કાયમી નિવારણ માટે કટિબદ્ધતા દર્શાવવી.
આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ના પ્રમુખ શ્રી સંદીપભાઈ એન્જિનિયર તથા શ્રી આશિષભાઈ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એસોસિએશનની કામગીરીને બિરદાવી હતી અને વેપારી આલમને પડતી મુશ્કેલીઓમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આગામી સમયમાં હાર્ડવેર ક્ષેત્રે ગુજરાતને મોખરે લઈ જવા માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની નેમ લીધી હતી.
