Western Times News

Gujarati News

૮૯ લાખની કિંમતની જૂની ચલણી નોટોનો જથ્થો ગાડીમાંથી ઝડપાયો

AI Image

નોટબંધીના વર્ષો બાદ નરોડામાં રદ થયેલી નોટોનો મોટો જથ્થો ઝડપાયો-શું આ નોટો બદલાવવાનું કોઈ આંતરરાજ્ય કૌભાંડ ચાલી રહ્યું છે?

(એજન્સી)અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં પોલીસે એક સનસનાટીભર્યા ઓપરેશનમાં રૂ. ૮૯ લાખની કિંમતની જૂની (રદ થયેલી) ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડ્‌યો છે. નોટબંધીના વર્ષો બાદ પણ આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત નોટો મળી આવતા પોલીસ અને એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

ગેલેક્સી ચાર રસ્તા પાસે પોલીસે કારમાં છુપાવેલું આ નાણું પકડી પાડી આગળની તપાસ તેજ કરી છે. પોલીસે રદ થયેલી લાખોની નોટો સાથે બે શખ્સોને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. નરોડા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે એક શંકાસ્પદ કારમાં પ્રતિબંધિત ચલણી નોટોની હેરાફેરી કરવામાં આવી રહી છે.

આ માહિતીના આધારે પોલીસે ગેલેક્સી ચાર રસ્તા પાસે વ્યૂહાત્મક વાચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર પસાર થતા જ પોલીસે તેને આંતરી હતી. કારની તલાશી લેતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી, કારણ કે સીટની નીચે અને અન્ય ખાનાઓમાં જૂની નોટોના બંડલો છુપાવેલા હતા.

પોલીસે પંચોની હાજરીમાં કરેલી ગણતરી મુજબ, ૧૦૦૦ રૂપિયાના દરની ૪૩૫૦ નોટો, રૂ. ૫૦૦ના દરની ૯૧૦૦ જેટલી નોટ મળી આવી હતી. નોટબંધીના આટલા વર્ષો પછી આ નોટો કોની છે અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી તે એક મોટો પ્રશ્ન છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ નોટો બદલાવવાનું કોઈ આંતરરાજ્ય કૌભાંડ ચાલી રહ્યું છે? આ ઉપરાંત, જપ્ત કરાયેલી નોટો અસલી છે કે નકલી તેની ચકાસણી માટે પણ એફએસએલની મદદ લેવામાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.