Western Times News

Gujarati News

રસ્તાનો ડામર પીગળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપઃ અમદાવાદ સહિત અનેક શહેરોમાં ‘યલો એલર્ટ’

(એજન્સી)અમદાવાદ, માર્ચ મહિનાની શરૂઆત સાથે જ સમગ્ર ગુજરાતમાં ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર-પૂર્વના ગરમ પવનો ફૂંકાવાને કારણે રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક શહેરોમાં હિટવેવની આગાહી કરી છે. મદાવાદ અને વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, બોટાદ, ભાવનગર, કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, સુરતમાં પણ યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી કરવામાં આવી છે

રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ તાપમાનમાં ધીમે ધીમે વધારો શરૂ થયો હતો. દરમિયાન રાજ્યમાં અત્યારે સરેરાશ તાપમાન ૩૯ થી ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ૪૦ ડિગ્રી જ્યારે અમદાવાદ, વડોદરા, ડીસા સહિત આઠ જિલ્લાઓમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે.

જ્યારે સુરતમાં ૩૮ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. રાજકોટમાં ગરમી એટલી આકરી બની છે કે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. જાણે કોરોનાકાળનું લોકડાઉન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ગરમીથી બચવા માટે ઠંડા પીણાં અને શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે. વડોદરામાં ૩૮ ડિગ્રી તાપમાનની અસર માળખાગત સુવિધાઓ પર જોવા મળી રહી છે.

શહેરમાં ફતેગંજ બ્રિજ પરના રોડનો ડામર ગરમીને કારણે પીગળવા લાગ્યો છે. ડામર પીગળીને વાહનોના ટાયર અને લોકોના પગમાં ચોંટી રહ્યો છે, જેના કારણે તંત્રએ તાત્કાલિક ધોરણે રસ્તા પર રેતી નાખવાની ફરજ પડી છે. આ ઘટનાને લીધે રોડની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. દરમિયાન કાળઝાળ ગરમી અને હિટવેવથી બચવા માટે લોકોએ બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

વધુમાં વધુ પાણી પીવું, સુતરાઉ કપડાં પહેરવા અને લૂ થી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અગવડતા (ડિસકમ્ફર્ટ) રહેવાની સંભાવના છે. ૧૦ માર્ચ સુધી ગુજરાતમાં યલો એલર્ટની આગાહી છે. આ સાથે ૧૧મી માર્ચના રોજ દરિયાકિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાવવાની આગાહી છે.

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, બરોડા અને સુરત જિલ્લામાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.