Western Times News

Gujarati News

બુટલગેરના પૌત્રએ કોલેજ બહાર રિવોલ્વર બતાવીને વિદ્યાર્થીઓને ધમકાવ્યા

AI Image

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ: પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી-આરોપી આદિત્ય કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર હોવાનું કહેવાય છે, 

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી કોલેજ પાસે ભરબપોરે એક કારમાં તોડફોડ કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ તોડફોડની ઘટનામાં આદિત્ય નામના નબીરા પર આક્ષેપ કરવામાં આવ્યો છે. આદિત્યએ કોલેજ કેમ્પસની બહાર પાર્ક કરેલી કાર પર હથિયાર વડે હુમલો કરી નુકસાન પહોંચાડ્‌યું હતું. બાદમાં કોલેજ બહાર રિવોલ્વર બતાવીને વિદ્યાર્થીઓને ધમકી પણ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી આદિત્ય કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર હોવાનું કહેવાય છે, જોકે પોલીસ દ્વારા હજુ સુધી આ બાબતે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

મહત્ત્વની વાત એ છે કે, આદિત્ય અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. અગાઉ શાહીબાગ વિસ્તારમાં થયેલા એક હિટ એન્ડ રન કેસમાં પણ તેનું નામ ઉછળ્યું હતું. એ અકસ્માતમાં એક મોપેડ સવારનું મોત નીપજ્યું હતું. હવે ફરી એકવાર તોડફોડની ઘટનામાં તેનું નામ સામે આવતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આરોપીની ઓળખ અને આ તોડફોડ પાછળના કારણો જાણવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે. તપાસના અંતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે ઉમેર્યું હતું. જોકે, અમદાવાદ પોલીસ દ્વારા આવા તત્ત્વો વિરૂદ્ધ કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા ગુનાહિત ઈતિહાસ ધરાવનારા તત્ત્વો વધુ આતંક ફેલાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈપણ પોલીસના ડર વિના બેખોફ રીતે ગુંડાની જેમ આતંક મચાવતો આદિત્ય નજરે પડી રહ્યો છે. હવે પોલીસ શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.