વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનાવવા તથા રાષ્ટ્રભાવના જાગૃત કરવા સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના કાર્યરત: કૌશિકભાઈ વેકરીયા
પ્રતિકાત્મક
સરકારી અને અર્ધસરકારી શાળાના ધો. ૮ અને ૯નાં વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે
રાજ્યનું ભવિષ્ય એવા બાળકોમાં વિદ્યાર્થીકાળથી જ દેશસેવાની ભાવનાને વધુ ઉજાગર કરવાના ઉમદા આશયથી સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અમલી બનાવવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ, સ્વયં શિસ્ત, કાયદાનું મહત્વ, સમાજના તમામ વર્ગો પ્રત્યે સહાનુભૂતિ જેવા જીવન ઘડતર ગુણોનું સિંચન કરવાનો છે તેમ, વિધાનસભા ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું.
રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી અને અર્ધસરકારી શાળાઓની પસંદગી કરી તે શાળાના ધોરણ ૮ અને ૯નાં વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત પસંદ કરવામાં આવે છે. જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને જુનિયર વિદ્યાર્થી અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને સિનિયર વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એક બેચમાં ૨૨ કુમાર અને ૨૨ કન્યા એમ મળીને કુલ ૪૪ વિદ્યાર્થીઓની પ્લાટુન બનાવાય છે.
તાલીમ બાબતે પૂછાએલા પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ દર અઠવાડિયે ૪ ક્લાસ ઈન્ડોર તાલીમ અને ૪ ક્લાસ આઉટડોર તાલીમ એમ એક અઠવાડિયામાં કુલ ૮ ક્લાસ લેવામાં આવે છે. વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને ૨૪૦ કલાકની તાલીમ આપવામાં આવે છે. સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને ઈન્ડોર આઉટડોર એમ બે પ્રકારે તાલીમ આપવામાં આવે છે. ઈન્ડોર તાલીમમાં ગુનાઓના નિવારણ અને નિયંત્રણ તથા વિવિધ સામાજિક દૂષણ અંગે જાગૃત્તિ જેવા વિષયો અંગે વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
આ ઉપરાંત આઉટડોર તાલીમમાં વ્યસનમુક્તિ, સ્વચ્છતા અભિયાન, માર્ગ સલામતી, ટ્રાફિક જાગૃતિ, પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવામાં આવે છે. આ યોજના હેઠળ બે વર્ષમાં સુરત અને ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનુક્રમે રૂ. ૧૨૧.૬૫ લાખ અને રૂ. ૧૦૭.૯૨ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
