Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવની ઠેકડી ઉડાવતા ઈરાને ગલ્ફમાં અમેરિકાના સૈન્ય મથકો પર મિસાઈલ હુમલા કર્યા

પ્રતિકાત્મક

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ‘આ પ્રકારના સંઘર્ષમાં વાટાઘાટો જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.’

ઈરાને અમેરિકાને બતાવ્યું રૌદ્ર સ્વરૂપ

(એજન્સી)તહેરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વકરતી જઈ રહી છે. અમેરિકા એક તરફ શાંતિની વાતો કરીને તેના ખતરનાક ઇરાદાઓને અંજામ આપવાની તૈયારીમાં છે ત્યારે ઈરાન પણ પીછેહઠ કરવા તૈયાર નથી અને તે તાબડતોબ ઈઝરાયલ પર હુમલાઓ કરી રહ્યો છે. ઈરાન સામેનું યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ૧૫ મુદ્દાના શાંતિ પ્રસ્તાવની ઠેકડી ઉડાવતા ઈરાને ગલ્ફમાં અમેરિકાના અનેક સૈન્ય મથકો પર ભીષણ મિસાઈલ હુમલા કર્યા છે. અહેવાલો પ્રમાણે, ઈરાને ખાસ કરીને કુવૈત, જોર્ડન અને બહેરીન સ્થિત અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. આ હુમલા કરીને ઈરાને સંકેત આપ્યો છે કે, ૧ મહિનો સીઝફાયર કરવા માટે ટ્રમ્પે મૂકેલો ૧૫ શરતોનો પ્રસ્તાવ ઈરાનને સ્વીકાર્ય નથી.

ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્‌ર્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે ‘કબજે કરેલા પ્રદેશોના હૃદય’ સમાન લક્ષ્યો પર હુમલો કર્યો છે. આ મિસાઈલ હુમલામાં કુવૈત, જોર્ડન અને બહેરીન સ્થિત અમેરિકન સૈન્ય મથકો તેમજ ઈઝરાયલને નિશાન બનાવાયા છે. કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલાને કારણે ફ્યૂલ ટેન્કમાં આગ લાગી હતી.

જો કે સદનસીબે નુકસાન મર્યાદિત હતું. સાઉદી અરેબિયાએ પણ તેના પૂર્વી ક્ષેત્રમાં ૪ ડ્રોન તોડી પાડ્‌યા હોવાનો દાવો કર્યો છે. એક તરફ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવી રહ્યા છે કે ઈરાન સમજદારીથી વાત કરી રહ્યું છે અને તે જલ્દી જ પરમાણુ મહત્ત્વાકાંક્ષા છોડીને સમજૂતી કરવા માંગે છે. બીજી તરફ ઈરાને આ દાવા સદંતર ફગાવી દીધા છે.

ઈરાનના સૈન્ય પ્રવક્તા લેફ્‌ટનન્ટ કર્નલ ઈબ્રાહિમ ઝોલફાઘારીએ ટ્રમ્પની મજાક ઉડાવતા કહ્યું કે, ‘અમેરિકા અમારી સાથે નહીં પણ ‘પોતાની સાથે જ વાટાઘાટો’ કરી રહ્યું છે. જો અમેરિકા ખરેખર સુપર પાવર હોત તો અત્યાર સુધીમાં આ મુસીબતમાંથી બહાર નીકળી ગયું હોત.’

ફિનલેન્ડમાં ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે ‘વોશિંગ્ટન પાસે કોઈ સત્તા નથી. ત્યાં બધું જ નિયંત્રણ અન્ય લોકોના હાથમાં છે.’ પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રઝા અમીરી મોગધામના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના દાવાઓથી વિપરીત બંને દેશો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ જ વાતચીત થઈ નથી.આ વધતા જતા તણાવ વચ્ચે ચીને પણ યુદ્ધ વિરામની અપીલ કરી છે.

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ‘આ પ્રકારના સંઘર્ષમાં વાટાઘાટો જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.’ ચીનના વિદેશ મંત્રી વાંગ ઈએ ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરીને શાંતિની તકો ઝડપી લેવા અનુરોધ કર્યો છે. બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ઈરાનના પ્રમુખ સાથે ચર્ચા કરી છે અને આ સંકટમાં મધ્યસ્થી તરીકે રચનાત્મક ભૂમિકા ભજવવાની ઓફર પણ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.