3330 કરોડના ખર્ચે તૈયાર થયેલા સાણંદના કાયનેસ સેમીકન્ડકટર પ્લાન્ટને ખુલ્લો મુકશે PM મોદી
પ્રતિકાત્મક
વડાપ્રધાન મોદી 31 માર્ચે ગુજરાત આવશે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે- સાણંદ, ડીસાની મુલાકાત લેશે
ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. સવારે 9-30 વાગે તેઓ એરપોર્ટ પરથી સીધા કોબા જશે.
PM સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને ખુલ્લુ મૂકશે અને બપોરે 12.30 કલાકે સાણંદ પહોંચશે PM, કાયનેસ સેમીકોન પ્રોજેક્ટ ખુલ્લો મૂકશે મોદી અને PM મોદી 4 વાગે ડીસા પહોંચશે, ડીસાથી રોડ માર્ગે નાણી ગામ સભા સ્થળે જશે અને વિકાસકામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કાર્યક્રમ કરશે, PM મોદી જાહેર સભાને સંબોધિત પણ કરશે અને સાંજે 5.30 કલાકે PM ડીસાથી આસામ જવા રવાના થશે.
દરમિયાન વડાપ્રધાન મોદી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ તથા ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના સંદર્ભમાં એમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ તથા રાજ્યના અન્ય નેતાઓ સાથે બેઠક યોજી એમને માર્ગદર્શન આપે તેવી શક્યતા નકારી શકાતી નથી. આ જ સંદર્ભે વડાપ્રધાને મુખ્યમંત્રીને ગત અઠવાડિયે નવી દિલ્હી બોલાવી પરામર્શ કર્યો હતો.
આ પણ વાંચો
ગુજરાત બનશે ભારતનું ‘ગેટવે ટુ સિલિકોન’: ગાંધીનગર ખાતે ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ ૨૦૨૬’નું આયોજન
વડાપ્રધાન મોદી છેલ્લે ૨૮મી ફેબ્રુઆરીએ અમદાવાદ આવ્યા હતા અને તેમણે સાણંદ ખાતે યુએસ કંપની માઈક્રોન ટેક્નોલોજીસના સેમિકન્ડકટર એસેમ્બલી તથા ટેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું.
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ૨૩મી એપ્રિલે જાહેર થઈ હોઈ આ પહેલાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પરિણામ આવી જશે એવી રાજકીય પક્ષોની ગણતરી સાચી માનીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૧૮ એપ્રિલ આસપાસ યોજાવાની અટકળ થઈ રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં ભરઉનાળે ૪૨-૪૫ ડિગ્રી તાપમાનમાં પહેલીવાર સ્થાનિક ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.
ગુજરાતમાં ૩૪ પૈકી ૩૨ જિલ્લા પંચાયતોમાં, ૨૬૦ જેટલી તાલુકા પંચાયતોમાં, અમદાવાદ સહિત ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં તેમજ ૭૧ નગરપાલિકાઓમાં એકસાથે ચૂંટણીઓ યોજાનારી છે.
આ સંદર્ભે બન્ને પ્રમુખ રાજકીય પક્ષો-ભાજપ-કોંગ્રેસમાં મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનોની તથા ૭૧ નગરપાલિકાઓની મુદત પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે ત્યાં વહીવટદારોનું રાજ ચાલી રહ્યું છે.
