Western Times News

Gujarati News

ભારત પર મોટું આર્થિક વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાંઃ રાહુલ ગાંધી

વિદેશ પ્રવાસ નહીં કરવાની અપીલનું પીએમ પોતે જ પાલન નથી કરતા

અમેરિકા, ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચેના યુદ્ધને પરિણામે વિશ્વમાં ઓઈલ પરિવહન માટેનો મહત્વનો હોર્મુઝની ખાડીનો માર્ગ અવરોધાયો છે

રાયબરેલી, પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે સર્જાયેલી વૈશ્વિક અરાજકતાને પરિણામે ભારત પર મોટું આર્થિક વાવાઝોડું ત્રાટકવાની તૈયારી હોવાની ચેતવણી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉચ્ચારી છે. આ સાથે જ ઈંધણની કટોકટીને પગલે દેશના લોકોને વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી સ્વયં વિદેશ જવા બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી.

રાહુલે એમ પણ જણાવ્યું હતું કે, જ્યાં સુધી દેશમાં સત્તા પરિવર્તન નહીં થાય ત્યાં સુધી ફુગાવો સતત વધતો રહેશે. ઉત્તરપ્રદેશના બછરવાન ખાતે લગ્ન માટેના એક હોલનું ઉદઘાટન કરતાં રાહુલે જણાવ્યું હતું કે, અમેરિકા, ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચેના યુદ્ધને પરિણામે વિશ્વમાં ઓઈલ પરિવહન માટેનો મહત્વનો હોર્મુઝની ખાડીનો માર્ગ અવરોધાયો છે. જેને પગલે વિશ્વભરમાં ઓઈલ, ફર્ટિલાઈઝર અને ડીઝલની કટોકટી સર્જાઈ છે.વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા તેમણે જણાવ્યું હતું કે, એક બાજુ વડાપ્રધાન દેશના લોકોને સોનું નહીં ખરીદવા તથા વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી પોતે તરત જ વિદેશ યાત્રાએ ઉપડી જાય છે.

તેઓ પોતે જ પોતાની સલાહનું પાલન નથી કરતાં. આપણે ક્યારેય નહીં જોયું હોય તેવું એક ભયંકર આર્થિક વાવાઝોડું દેશ તરફ આવી રહ્યું છે, જેને કોઈ રોકી શકે તેમ નથી. તેનાથી અંબાણી કે અદાણીને કોઈ અસર નહીં થાય, પરંતુ દેશના ખેડૂતો, શ્રમિકો, યુવાનો તથા નાના ઉદ્યોગકારોને તેની માઠી અસર થશે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.