રાજ્યમાં ૧૮૦૮ મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે
(એજન્સી)ગાંધીનગર, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતી અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ મુખ્ય શિક્ષકની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા આદેશ કર્યો છે.
રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા શિક્ષણ વિભાગે HTAT મુખ્ય શિક્ષકોની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. વિભાગ દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.
પરિપત્ર મુજબ રાજ્યભરમાં ખાલી પડેલી ૧૮૦૮ મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ઝડપથી ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ આગામી અંદાજપત્રની તૈયારી પહેલાં નવી જગ્યાઓની જરૂરિયાત અંગેની દરખાસ્તો પણ મોકલવા સૂચના આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા ૧ઃ૧ઃ૨ રેશિયો મુજબ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ રેશિયો અંતર્ગત મુખ્ય શિક્ષકોની ભરતી સીધી ભરતી, બઢતી અને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વિભાગના આ નિર્ણયથી લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરાશે અને શાળાઓના વહીવટી તેમજ શૈક્ષણિક કાર્યમાં ગતિ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અધિકારીઓને જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરીને ભરતી પ્રક્રિયાને વેગ આપવા સૂચના આપવામાં આવી છે. શિક્ષણજગતમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે, કારણ કે મુખ્ય શિક્ષકોની અછતને કારણે અનેક શાળાઓમાં સંચાલન સંબંધિત પડકારો ઉભા થયા હતા.
