Western Times News

Gujarati News

બિલ્ડરોની સરકારને ચીમકી: અમારી સમસ્યા નહીં ઉકેલો તો ૩૦ જૂનથી મિલકતોના ભાવ ૨૦% વધશે

AI Image

(એજન્સી)અમદાવાદ, ભારતના જીડીપીમાં સાડા સાત ટકાનો ફાળો આપતા બાંધકામ ઉદ્યોગની વર્તમાન સમસ્યાઓનું નિરાકરણ ન લાવવામાં આવે તો આગામી ૩૦મી જૂનથી દરેક કેટેગરીના બાંધકામની કિંમતોમાં ૨૦ ટકાનો વધારો કરવાની ફરજ પડશે.

પરિણામે અત્યારે ૩૮ વર્ષની બચત પછી ફ્લેટ લઈ શકનારાઓ મધ્યમ વર્ગના લોકો માટે ફ્લેટ લેવા અત્યંત કઠિન બની જશે. આવનારા વર્ષાેમાં ૪૦થી ૪૫ વર્ષની બચત પછી મધ્યમ વર્ગના લોકો ઘર ખરીદી શકશે. આ સ્થિતિ ન આવે તે માટે સરકારે બાંધકામ ઉદ્યોગની વર્તમાન સમસ્યાઓનો સત્વરે ઉકેલ લાવવો જોઈએ, એવી નારડેકોના સભાસદ બિલ્ડરો અને હોદ્દેદારોએ માગણી કરી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલી એલ્યુમિનિયમ, સ્ટીલ, સિમેન્ટ, ગ્લાસ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં ૨૦થી માંડીને ૪૦ ટકા જેટલો વધારો થઈ ગયો હોવાથી તેમની પાસે મિલકતના વેચાણભાવ વધારવા સિવાય કોઈ જ ચારો ન હોવાનું જણાવ્યું હતું.

આ જ કારણોસર અત્યારે બાંધકામ માટેના ચાલુ પ્રોજેક્ટ વાયેબલ ન રહ્યા હોવાથી તેમને માટે પ્રોજેક્ટ આગળ ધપાવવા કઠિન બની ગયા છે.બાંધકામ ઉદ્યોગના શ્રમિકોને કરવામાં આવતી ચૂકવણી પર લેવામાં આવતો ૧૮ ટકાનો ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ ઘટાડીને ૫ ટકા કે પછી શૂન્ય ટકા કરી દેવાની માગણી કરવામાં આવી હતી.

સરકારે લેબર સેસના એકત્રિત કરેલા રૂ.૬૭૦૦ કરોડમાંથી હજી ૫૦૦ કરોડ પણ વપરાયા નથી. આ પૈસા ન વપરાય ત્યાં સુધી લેબર સેસ લેવાનું બાકી રાખવી જોઈએ. જ્યારે ટીપી જાહેર કરવામાં દસ ૧૦ વરસનો કરાતો વિલંબ ન થવો જોઈએ તેમજ ટીપી સ્કીમમાં કરવામાં આવતી કપાત ૪૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી દેવાની માગણી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.