માત્ર ૧૦૦ રૂપિયાની લેતીદેતીમાં મિત્રે લાકડાના ફટકા મારી મિત્રની કરી હત્યા
AI Image
-
આણંદના બોરીયાવી ગામે મજૂરીના બાકી નીકળતા માત્ર ૧૦૦ રૂપિયા માંગવા બાબતે બે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો.
-
આવેશમાં આવી ગયેલા આરોપી મિત્ર કિશન ઉર્ફે રંગાએ લાકડાના દંડા વડે હુમલો કરી નરેશ પટેલના બંને પગ ભાંગી નાખ્યા હતા.
-
ગંભીર રીતે ઘવાયેલા નરેશ પટેલનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.
આણંદ, તાલુકાના બોરીયાવી ગામમાં માત્ર ૧૦૦ રૂપિયા જેવી નજીવી રકમ માટે એક મિત્રએ જ પોતાના મિત્રને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મજૂરીના બાકી નાણાં માંગવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક મિત્રએ બીજા મિત્ર પર લાકડાના ફટકા વડે ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બોરીયાવી ગામે રહેતા ૫૬ વર્ષીય નરેશભાઈ રાવજીભાઈ પટેલ પોતાના પરિવારથી અલગ એકલા જ રહેતા હતા. તેઓ ગામમાં જ મજૂરી કામ કરીને મંદિરના ઓટલે કે શાળાની આગળ સુઈ જઈને પોતાનું જીવન ગુજારતા હતા. ગામમાં જ રહેતો કિશન ગુલાબભાઈ રાઠોડ ઉર્ફે રંગો તેમનો મિત્ર હતો અને બંને જણા સાથે જ મજૂરી કામ કરવા માટે જતા હતા. નરેશ પટેલે કિશનને મજૂરીના ૧૦૦ રૂપિયા આપવાના બાકી હતા.
ગત તારીખ ૩૦મીના રોજ સાંજના સમયે ભોઈવાસ પાસે આવેલી તલાવડી નજીક એક ખેતરમાં બંને મિત્રો ભેગા થયા ત્યારે કિશન ઉર્ફે રંગાએ નરેશ પટેલ પાસે પોતાના ૧૦૦ રૂપિયા પાછા માંગ્યા હતા. આ નાણાં બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો. ઝઘડો વધતા આવેશમાં આવી ગયેલા કિશને નજીકમાંથી લાકડાનો દંડો ઉઠાવી નરેશ પટેલ પર ધડાધડ હુમલો કરી દીધો હતો અને શરીરે તેમજ પગના ભાગે ગંભીર ફટકા માર્યા હતા.
આ ઘાતકી હુમલાના કારણે નરેશ પટેલના બંને પગમાં ફેક્ચર થઈ ગયું હતું અને તેઓ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલો કર્યા બાદ આરોપી કિશન ઉર્ફે રંગો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ગંભીર ઈજાઓના કારણે નરેશ પટેલ બે દિવસ સુધી તે જ હાલતમાં ઘટનાસ્થળે પડી રહ્યા હતા. આ ઘટનાની જાણ જ્યારે તેમના ભત્રીજાને થઈ ત્યારે તેણે તાત્કાલિક સ્થળ પર પહોંચી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને બોલાવી હતી.
નરેશભાઈને પ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ લથડતા અને હાલત અત્યંત ગંભીર હોવાના કારણે તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે તેમનું અવસાન થયું છે. આ ચકચારી બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે મૃતકના બહેન નીરૂબેન પટેલની ફરિયાદના આધારે કિશન ઉર્ફે ગુલાબભાઈ રાઠોડ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
