AI ટેકનોલોજી સુખ-સુવિધા આપી શકે, પણ હૃદયની સાચી શાંતિ માત્ર સેવાથી જ મળે છે: આરોગ્ય મંત્રી
“સેવામાં માનવતા અને વાણીમાં મીઠાસ”ના બોધ સાથે દર્દીઓની કરુણાપૂર્ણ સારવાર માટે સિવિલ હોસ્પિટલના નર્સિંગ પરિવારની ‘આત્મબોધ ચિંતન શિબિર‘
આપણો વ્યવસાય ફાઇલો સાથે નહીં, જીવતા માણસો સાથે છે, સ્ટાફનો હસતો ચહેરો દર્દીનું અડધું દર્દ દૂર કરી શકે છે:– શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા
દર્દીઓની સેવા અને કરુણાપૂર્ણ સારવારને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે, સિવિલ હોસ્પિટલ અમદાવાદના ‘નર્સિંગ પરિવાર‘ દ્વારા અસ્મિતા ભવનમાં વિશેષ “આત્મબોધ ચિંતન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું.
“સેવામાં માનવતા” અને “વાણીમાં મીઠાસ” ના મૂળ મંત્રો સાથે યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા તથા અતિથિ વિશેષ તરીકે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત નર્સિંગ સ્ટાફ અને મેડિકલ ક્ષેત્રના અગ્રણીઓને સંબોધન કરતા આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે કર્મચારીઓમાં માનવીય સંવેદનાઓ હોવી અનિવાર્ય છે. તેમણે ગીતાના કર્મના સિદ્ધાંત તેમજ વિજ્ઞાનના નિયમોને સાંકળીને સમજાવ્યું કે મનુષ્ય દ્વારા કરવામાં આવેલું સારું કે ખરાબ કર્મ ક્યારેય નષ્ટ થતું નથી, તેથી કોઈપણ અપેક્ષા વગર માત્ર પવિત્ર ભાવથી પોતાનું કર્તવ્ય કરવું જોઈએ. હોસ્પિટલોમાં ડોક્ટર કરતાં પણ નર્સ બહેનોની સેવાની દર્દીઓ વધુ રાહ જોતા હોય છે તેમ જણાવી તેમણે ‘ફ્લોરેન્સ નાઇટીંગેલ‘ની જેમ નિઃસ્વાર્થ સેવા આપતી નર્સ બહેનોના ગૌરવને બિરદાવ્યું હતું.
મંત્રીશ્રીએ આ પ્રસંગે ‘ટંગ મેનેજમેન્ટ‘નો મૂળ મંત્ર આપતા સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ પોતાની વાણી પર સંયમ રાખતા શીખી જાય છે તે દુનિયા જીતી શકે છે, કારણ કે આપણા શુદ્ધ વિચારો જ વાણી દ્વારા બહાર આવતા હોય છે. આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી સુખ-સુવિધા આપી શકે છે, પરંતુ હૃદયની સાચી અને આંતરિક શાંતિ માત્ર સેવાની વૃત્તિથી જ પ્રાપ્ત થાય છે.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘આત્મબોધ‘એ જીવનપર્યંત ચાલનારી ચિંતન પ્રક્રિયા છે. નર્સિંગ સ્ટાફની આજુબાજુ સતત પીડા અને દર્દીઓ હોય છે, અને કોઈને પણ સ્વેચ્છાએ દવા લેવી ગમતી ન હોવાથી નર્સે હંમેશા પ્રેમપૂર્વક અને વાણીમાં મીઠાશ રાખીને સારવાર કરવી પડતી હોય છે. તેમણે નર્સિંગ અને શિક્ષણ બંને વ્યવસાયોને શ્રેષ્ઠ ગણાવ્યા કારણ કે તેમાં ફાઈલો સાથે નહીં પરંતુ જીવતા જાગતા મનુષ્યો સાથે કામ કરવાનું હોય છે, જ્યાં સ્ટાફનો એક હસતો ચહેરો દર્દીનું અડધું દર્દ દૂર કરી શકે છે. મંત્રીશ્રીએ કોરોના મહામારી અને ભૂતકાળમાં થયેલી આપત્તિઓ વખતે નર્સિંગ સ્ટાફે બતાવેલાં અજોડ ટીમવર્કને યાદ કર્યું હતું.
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ (દાદા) એ પણ પ્રેરક ઉપસ્થિતિ આપી સૌને નિઃસ્વાર્થ માનવ કલ્યાણના કાર્યો માટે પ્રેરણા પૂરી પાડી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ નર્સિંગ પરિવારનો આભાર માનતા જણાવ્યું હતું કે, ડૉક્ટર્સ ચોક્કસપણે હોસ્પિટલનું મગજ છે, જે પોતાના જ્ઞાનથી મહત્વના નિર્ણયો લે છે, પરંતુ આપણો નર્સિંગ સ્ટાફ એ આ સંસ્થાનું હૃદય છે જે સતત દર્દીની પડખે ઊભો રહે છે. મેડિસીટી કેમ્પસમાં આવેલો છેવાડાનો નાનો માણસ કે ગરીબ દર્દી અહીંથી માત્ર સાજો થઈને ન જાય, પણ આપણી ઉત્કૃષ્ટ સેવાની હૂંફ અને એક અતૂટ વિશ્વાસ લઈને જાય તેવા પ્રયત્નો થવા જોઈએ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ‘આત્માબોધ‘ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. પીયૂષ મિત્તલ, સરકારી મેડિકલ કોલેજના ડીન ડૉ. રૂપલ શાહ, એમ. એન્ડ જે. ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. સ્વાતી, જીનેરાના પ્રિન્સિપાલ ડૉ. હીરલ શાહ, યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી, આઇ.કે.ડી.આર.સી.ના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, જી.સી.આર.આઇ.ના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આઇ. કે. કડીવાલા, રજિસ્ટ્રાર ડૉ. પ્રજ્ઞા ડાભી અને મેડિસિટીના તમામ નર્સિંગ સુપ્રીટેન્ડન્ટસ્ અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
