સિવિલ હોસ્પિટલના ‘અમરકક્ષ’ની મુલાકાતે પહોંચેલા આરોગ્ય મંત્રીએ અંગદાતાઓના સર્વોચ્ચ બલિદાનને બિરદાવ્યું
અંગદાન એ અંત નથી, પરંતુ અનેક જીવનમાં નવી શરૂઆત છે: આરોગ્ય મંત્રી
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતાઓની સ્મૃતિને ચિરંજીવ રાખવા માટે નિર્મિત વિશેષ “અમરકક્ષ”ની રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ભાવસભર મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ અંગદાન દ્વારા અનેક દર્દીઓને નવજીવન આપનારા મહાન અંગદાતાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના પરિવારજનોના નિઃસ્વાર્થ તેમજ ઐતિહાસિક યોગદાનને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું.
અમરકક્ષમાં પ્રદર્શિત અંગદાતાઓના ફોટોગ્રાફ્સ અને તેમની પ્રેરણાદાયી જીવનગાથાઓ નિહાળતા મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, અંગદાન એ માત્ર દાન નથી, પરંતુ મૃત્યુ પછી પણ અનેક લોકોને જીવનદાન આપવાની સર્વોચ્ચ માનવસેવા છે. અંગદાતાઓ સમાજમાં માનવતા, કરુણા અને પરોપકારનું જીવંત પ્રતિક છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અંગદાન માટે સંમતિ આપનાર પરિવારોના સાહસિક અને સંવેદનશીલ નિર્ણયથી અનેક પરિવારોના જીવનમાં આશાનો નવો સૂર્યોદય થાય છે. આવા પરિવારો સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે અને તેમની આ અનુપમ માનવસેવા ઇતિહાસમાં હંમેશા અમર રહેશે.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ એક બહેન સાથે સંવાદ કર્યો હતો જેમણે વર્ષ 2024માં પોતાના બ્રેઈનડેડ પતિનું અંગદાન કર્યું હતું. કપરા સમયમાં લીધેલા આ માનવતાભર્યા નિર્ણય અને તેમના અનુભવો સાંભળી મંત્રીશ્રીએ મહિલાના અદમ્ય સાહસ, સંવેદના અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવી વંદન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે અંગદાતાઓને સન્માનપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પવા અને સમાજમાં અંગદાન અંગેની જાગૃતિ વ્યાપક બનાવવા માટે તા. 12 મે, 2023ના રોજ “અમરકક્ષ”ની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે પણ હજારો લોકોને અંગદાનના પવિત્ર કાર્ય માટે પ્રેરણા આપતું એક જીવંત સ્મારક બની રહ્યું છે.
આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ (દાદા), તથા સિવિલ મેડિસિટીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.
