Western Times News

Gujarati News

વર્ષ 2025-26 માટે વિવિધ કેટેગરીમાં સાહિત્યકારોને રાજ્યપાલના હસ્તે પારસ ચંદ્રકથી સન્માનિત કરાયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં પારસ ચંદ્રક અર્પણ સમારોહ યોજાયો

 સાહિત્યકારો જ્યોત સમાન છે જે પોતે પ્રજ્વલિત થઈને સમાજને સાચો દિશાદર્શન અને પ્રકાશ આપે છે: રાજ્યપાલ

સંસ્કૃતિ એ સમાજનો આત્મા છે અને સભ્યતા એ તેનું શરીર છે; સાહિત્ય અને સંસ્કૃતિ વિહીન સમાજ પથ્થર સમાન છે : આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પારસ ચંદ્રક અર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રીના હસ્તે પારસ પટેલની વાર્તાઓપુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

પારસ ચંદ્રક અર્પણ સમારોહમાં વર્ષ ૨૦૨૫ માટે પદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે શ્રી રાજેન્દ્ર શુક્લ, ગદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક તરીકે શ્રી હર્ષવી પટેલ, ગદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક શ્રી તરીકે શ્રી અજય સોની તથા સાહિત્ય સેવા માટે શ્રી હરદ્વાર ગોસ્વામીને પારસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૨૬ માટે પદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે શ્રી સંજુ વાળા, ગદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે મણિલાલ પટેલ, પદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક તરીકે શ્રી અનિલ ચાવડા, ગદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક તરીકે શ્રી મયુર ખાવડુ તથા  સાહિત્ય સેવા માટે હિતેન આનંદપરાને પારસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લક્ષ્મી અને વિદ્વત્તાનો મેળ ઓછો જોવા મળતો હોય છે, પરંતુ શ્રી પારસ પટેલે એક સફળ બિઝનેસમેન હોવાની સાથે સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યે અનન્ય અનુરાગ દાખવી આ વિડંબનાને ખોટી સાબિત કરી છે. આર્થિક સંપન્નતાની સાથે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને પ્રેમ કરનારા લોકો રાષ્ટ્રની સાચી મૂડી છે.

સભ્યતા અને સંસ્કૃતિ વચ્ચેનો માર્મિક ભેદ સ્પષ્ટ કરતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, આધુનિક સુવિધાઓ, ટેકનોલોજી અને ભૌતિક સાધનો સભ્યતાના સૂચક છે જે જીવન સરળ બનાવે છે, જ્યારે અહિંસા, સત્ય, કરુણા, દયા અને સહિષ્ણુતા એ સંસ્કૃતિના સૂચક છે. સંસ્કૃતિ એ સમાજનો આત્મા છે અને સભ્યતા એ તેનું શરીર છે; સાહિત્ય અને સંસ્કૃતિ વિહીન સમાજ પથ્થર સમાન બની જાય છે. 

સાહિત્યને સમાજનો અરીસો ગણાવતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, સાહિત્યકારો જ્યોત સમાન છે જે પોતે પ્રજ્વલિત થઈને સમાજને સાચા દિશાદર્શન અને પ્રકાશ આપે છે. ચાર-પાંચ પેઢીઓથી ચાલી આવતી આ ગૌરવવંતી સાહિત્યિક પરંપરાને વરિષ્ઠોએ જાળવી રાખી છે, જેના કારણે જ આજે યુવા પેઢી પણ આ ક્ષેત્રમાં ઉત્સાહભેર આગળ આવી રહી છે. 

પારસ પટેલની વાર્તાઓપુસ્તક સંદર્ભે વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, વાર્તાઓ રમત-રમતમાં માણસની રુચિ જગાડીને ઘણું મોટું જ્ઞાન આપી જાય છે અને આ વાર્તા સંગ્રહ નવી પેઢીને ભારતીય જીવનમૂલ્યો સાથે જોડીને તેમના જીવનને પથભ્રષ્ટ થતાં બચાવશે. આ પ્રસંગે ઉપસ્થિત સાહિત્ય જગતના મૂર્ધન્ય વિદ્વાનો અને પદ્મશ્રી મહાનુભાવોના પ્રદાનને બિરદાવી રાજ્યપાલશ્રીએ તેમની કલમ સતત ગતિમાન રહીને સમાજને પ્રેરણા આપતી રહે તેવી મંગલકામના વ્યક્ત કરી હતી.

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝાએ જણાવ્યું હતું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાચા અર્થમાં લોકશિક્ષણના માણસ છે. તેમણે ગુજરાતના લોકભવનને શ્લોકભવન બનાવ્યું છે અને ખેડૂતો તેમજ સામાન્ય જનતા સાથે સીધા જોડાઈને કૃષિ અને ઋષિ સંસ્કૃતિનો અદભુત સમન્વય સાધ્યો છે.

સમારોહની વિશેષતા અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, આજે અહીં એક જ મંચ પર ગુજરાતી સાહિત્યની ચાર-ચાર પેઢીઓનો ગૌરવવંતો સમન્વય જોવા મળ્યો છે. આપણું સાહિત્ય આજે ઇન્ટરનેટ અને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક સ્તરે વિસ્તરી રહ્યું છે. પારસ ચંદ્રક એનાયત કરવાની આ સરાહનીય પરંપરાને બિરદાવતા તેમણે જણાવ્યું કે, શ્રી પારસ પટેલે વ્યાપારની સાથે પોતાના વાર્તા સંગ્રહમાં ઉત્તર ગુજરાતના લોકજીવન, તળપદી બોલી અને સામાજિક મૂલ્યોને ખૂબ જ અનોખી શૈલીમાં જીવંત કર્યા છે.

પારસ ચંદ્રક અર્પણ સમારોહમાં પારસ ફાઉન્ડેશન વતી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરતાં શ્રી પારસ પટેલે જણાવ્યું હતું કે, ધનવાન સમાજ બનાવવો સરળ છે, પરંતુ સંવેદનશીલ સમાજ બનાવવો ખૂબ અઘરું કાર્ય છે અને આ ભગીરથ કાર્ય સાહિત્યકારો કરે છે. સાહિત્ય અને સંસ્કૃતિની આ પરંપરાને જીવંત રાખવા માટે જ પારસ ફાઉન્ડેશન દ્વારા પારસ ચંદ્રક અર્પણ સમારોહની શરૂઆત કરવામાં આવી છે. 

તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ સમાજની સાચી સમૃદ્ધિ માત્ર તેના ધન-કુબેરોથી નહીં, પરંતુ તેના પુસ્તકાલયો દ્વારા માપવી જોઈએ. જે સમાજ પોતાના સાહિત્યકારોને આદર અને સન્માન આપે છે તે જ સાચા અર્થમાં સમૃદ્ધ બને છે. 

પારસ ચંદ્રક અર્પણ સમારોહમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી રતિલાલ બોરીસાગર, શાયોના ગ્રુપના શ્રી સુરેશભાઈ પટેલ, નવગુજરાત સમયના ગૃપ એડિટર શ્રી અજય ઉમટ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ, કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ, જાણીતા સાહિત્યકારો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત સાહિત્ય સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.