Western Times News

Gujarati News

દાણીલીમડામાં ચાલી રહ્યુ હતું અમેરિકનો ઠગવા માટેનું કોલ સેન્ટરઃ એક યુવક ચલાવતો આખું નેટવર્ક

 અમેરિકન નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી-ઘરમાં જ કોલ સેન્ટર ચલાવી અમેરિકનો સાથે ઠગાઈ-એક જ યુવક પોતાના ઘરમાં બેસીને છેલ્લા બે વર્ષથી આખું નેટવર્ક ચલાવતો હતો -લોનની લાલચ આપી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરતો

અમદાવાદ, સામાન્ય રીતે હાઈટેક કોમ્પ્યુટર્સ, વિશાળ ઓફિસ અને અનેક કર્મચારીઓના મોટા સેટઅપ સાથે ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરો પર પોલીસની રેડના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી પોલીસે એક એવા અનોખા અને ચોંકાવનારા કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે,

જ્યાં કોઈ મોટું સેટઅપ કે સ્ટાફ ન હતો, પરંતુ એક જ યુવક પોતાના ઘરમાં બેસીને છેલ્લા બે વર્ષથી આખું નેટવર્ક ચલાવતો હતો. લોનની લાલચ આપી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરતા આ ‘વન મેન આર્મી’ ઠગની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ, દાણીલીમડા પોલીસને બાતમી મળી હતી કે, વિસ્તારમાં આવેલી શ્રીદેવી પાર્ક સોસાયટીના એક ઘરમાંથી અમેરિકન નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે રેડ કરીને સાહિલ મુસ્તાકઅલી મિર્ઝા નામના યુવકને રંગેહાથ ઝડપી લીધો છે.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, સાહિલ ઓનલાઈન માધ્યમોથી અમેરિકાના એવા નાગરિકોનો ડેટા મેળવતો હતો, જેમનો ક્રેડિટ સ્કોર ખૂબ ઓછો હોય અને તેમને ક્્યાંયથી લોન ન મળતી હોય.

આરોપી સાહિલ મિર્ઝા પોતાની ઓળખ અમેરિકાની જાણીતી લોન કંપનીઓ જેવી કે ‘પ્રોસ્પર ફાઇનાન્સ’ અને ‘લેન્ડિંગ ટ્રી’ના પ્રતિનિધિ તરીકે આપતો હતો. તે ગૂગલ વોઇસ ડાયલર સોફ્ટવેરનો ઉપયોગ કરીને અમેરિકાનો જ લોકલ નંબર ડિસ્પ્લે થાય તે રીતે પીડિતોને ઇમેલ અને કોલ કરતો હતો.

ગ્રાહકો વિશ્વાસમાં આવી જાય એટલે લોન મંજૂર કરાવવાના બહાને તેમની પાસેથી નામ, બેંક એકાઉન્ટ, મોબાઇલ નંબર અને સોશિયલ સિક્્યોરિટી નંબર (SSN) જેવી સંવેદનશીલ વિગતો મેળવી લેતો હતો.

ત્યારબાદ, ઓછા ક્રેડિટ સ્કોરનું બહાનું આગળ ધરીને તે લોન પ્રોસેસિંગ ફી, સિક્્યોરિટી ડિપોઝિટ અને ઇન્સ્યોરન્સના નામે અમેરિકન નાગરિકો પાસેથી ડોલરમાં રકમ ટ્રાન્સફર કરાવતો હતો. તે એવી પણ લાલચ આપતો કે લોન પાસ થયા બાદ આ પ્રોસેસિંગ ફી પરત મળી જશે. પ્રાથમિક તપાસમાં જ તેણે એક વિદેશી નાગરિક પાસેથી અંદાજે રૂ ૫૦,૦૦૦ પડાવ્યા હોવાનું ખુલ્યું છે.

પોલીસે સાહિલના ઘરેથી લેપટોપ, બે મોબાઇલ, રાઉટર અને હેડફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અને તેના ડિજિટલ ડેટાના આધારે અત્યાર સુધી કેટલા અમેરિકનો આ ‘ઘરઘરાઉ’ કોલ સેન્ટરનો ભોગ બન્યા છે તેની તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.