Western Times News

Gujarati News

અમદાવાદમાં ૫ દિવસ તોફાની પવન સાથે વરસાદની આગાહી

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં શનિવારથી આગામી ૫ દિવસ સુધી ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ તોફાની પવન ફૂંકાવવાની આશંકા છે. આ સાથે જ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

જોકે, હવામાનમાં આવેલા આ બદલાવને કારણે ગરમીથી થોડી રાહત મળશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૨ ડિગ્રી ઘટીને ૪૧.૪ ડિગ્રી નોંધાયું હતું, જે આગામી દિવસોમાં ૪૦ ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગે પવન અને વરસાદની આગાહી કરી છે, પરંતુ બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં આગામી ૧૦ દિવસ સુધી વરસાદની સંભાવના નહિવત્ પણ હોઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા ૧૦ જૂન સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં શુક્રવાર માટે એલર્ટ અપાયું છે,

જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં શનિવારે એલર્ટ અપાયું છે. આ વિસ્તારોમાં ભારે ગર્જના અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એકસાથે ત્રણથી ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં આ પલટો આવ્યો છે. ઉત્તરી પાકિસ્તાન પાસે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સસક્રિય છે. જમ્મુ-કાશ્મીર પર એક સાયક્લોનિક સર્ક્‌યુલેશન અને ટ્રફ બનેલા છે. દક્ષિણ-પૂર્વી રાજસ્થાન પાસે પણ એક અન્ય સાયક્લોનિક સર્ક્‌યુલેશન સક્રિય થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.