નેપાળનો યુ-ટર્ન, સરહદ વિવાદના ઉકેલ માટે દ્વિપક્ષીય ચર્ચાને સમર્થન
જયશંકર સાથે બેઠક પછી નેપાળના વિદેશ મંત્રીની સ્પષ્ટતા
નેપાળના વિદેશ પ્રધાને હવે ત્રીજા પક્ષની મધ્યસ્થીને નકારવાના ભારતના વલણને સમર્થન આપ્યું છે
નવી દિલ્હી,ભારત સાથેના સીમા વિવાદના ઉકેલ માટે ચીન અને બ્રિટનની મધ્યસ્થતાની માગણી કરીને વિવાદ ઊભો કર્યા પછી નેપાળે હવે યુ-ટર્ન લીધો છે. નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખાનાલે રવિવારે જણાવ્યું હતું કે નેપાળ ભારત સાથેના સીમા વિવાદનો ઉકેલ હાલની દ્વિપક્ષીય વ્યવસ્થાઓ દ્વારા જ લાવવા માંગે છે. બંને દેશ ખુલ્લા મન અને પરસ્પર સન્માન સાથે ચર્ચા કરે તો કોઇપણ સમસ્યા એટલી મોટી કે જટિલ નથી જેનો ઉકેલ ન આવી શકે છે. આમ નેપાળના વિદેશ પ્રધાને હવે ત્રીજા પક્ષની મધ્યસ્થીને નકારવાના ભારતને વલણના સમર્થન આપ્યું છે.
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે બેઠક કર્યાના એક દિવસ પછી ખાનાલે આ નિવેદન આપ્યું હતું. જયશંકર સાથે તેમણે વેપાર, ક્રિટિકલ ટેકનોલોજી, કનેક્ટિવિટી અને ઊર્જા સહિતના ક્ષેત્રમાં સંબંધોને વધારવાની ચર્ચાવિચારણા કરી હતી. તાજેતરમા નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે ભારત સાથેની સીમા વિવાદના ઉકેલ માટે ચીન અને બ્રિટનની મધ્યસ્થાનો ઉલ્લેખ કરીને વિવાદ ઊભો કર્યાે હતો. જોકે થોડા દિવસો બાદ ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ મુદ્દાના ઉકેલમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા સ્વીકાર્ય નથી.
આ પછી વિદેશ પ્રધાન શુક્રવારે ત્રણ દિવસની નવી દિલ્હીની મુલાકાતે આવ્યાં હતાં. ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની વિસ્તારોને લઈને વિવાદ છે. ભારત સતત દાવો કરતું આવ્યું છે કે આ વિસ્તારો ઉત્તરાખંડનો ભાગ છે. ખાનાલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે બ્રિટનનો ઉલ્લેખ માત્ર ત્યાંની લાઇબ્રેરીઓ અને મ્યુઝિયમોમાં ઉપલબ્ધ ઐતિહાસિક દસ્તાવેજો અને માહિતી મેળવવાના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. અમે મધ્યસ્થી માંગતા ન હતાં, પરંતુ માત્ર ઐતિહાસિક પુરાવાઓ સુધી પહોંચવા ઇચ્છતાં હતાં. SS1
