Western Times News

Gujarati News

અમદાવાદ પ્લેન ક્રેશ: આંસુઓ, યાદો અને નવા સંકલ્પો વચ્ચે પીડિતોને શ્રદ્ધાંજલિ

સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કર્યા- દુર્ઘટના સ્થળે પરિવારજનોની ભાવુક હાજરી

અમદાવાદ, પ્રથમ વર્ષગાંઠે મૃતકોને યાદ કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં લાગણીસભર વાતાવરણ વચ્ચે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્‌લાઇટ અકસ્માતનો ભોગ બનતા સેંકડો પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્‌યો હતો. આજે આ કરુણ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ પીડિત પરિવારો માટે સમયનો આ અંતરાલ પણ તેમના ઘાવોને ભરી શક્યો નથી. પ્રથમ વર્ષગાંઠે મૃતકોને યાદ કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં લાગણીસભર વાતાવરણ વચ્ચે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

પ્લેન ક્રેશની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે મૃતકોના પરિવારજનો અને નજીકના સગા-સંબંધીઓ દુર્ઘટના સ્થળ નજીક એકત્રિત થયા હતા. અહીં તેમણે પોતાના સ્વજનોને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન અનેક લોકો ભાવુક બન્યા હતા અને પોતાના પ્રિયજનો સાથે જોડાયેલી યાદોને તાજી કરી હતી.
આ પ્રસંગને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સ્થળ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

આ દુર્ઘટનામાં બ્રિટન સાથે સંકળાયેલા અનેક મુસાફરોના પણ જીવ ગયા હોવાથી બ્રિટિશ પ્રતિનિધિમંડળે પણ ઘટનાને યાદ કરી હતી. બ્રિટિશ હાઇ કમિશનર લિન્ડી કેમરોને અમદાવાદ પહોંચી દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. બ્રિટિશ હાઇ કમિશનના અન્ય સભ્યો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને પુષ્પ અર્પણ કરીને દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને યાદ કર્યા હતા.

આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું. ઘટનાની પ્રથમ વર્ષગાંઠે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે વિજય રૂપાણીના જાહેર જીવન, તેમના નિર્ણાયક નેતૃત્વ અને ગુજરાતના વિકાસ માટે કરેલા યોગદાનને યાદ કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રૂપાણીનું જાહેર જીવન રાજ્યના રાજકીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને તેમની સેવાઓ હંમેશા યાદ રહેશે.

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યાં એક સમયે દુઃખદ ઘટના બની હતી, તે સ્થળને હવે સમાજ માટે ઉપયોગી કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ આ વિસ્તારને આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિર તરીકે વિકસાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

સરકારે ન્યૂ મેન્ટલ કેમ્પસ વિસ્તારમાં રૂ. ૫૪૭ કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક આરોગ્ય અને શિક્ષણ સંબંધી પ્રોજેક્ટ્‌સ વિકસાવવાની યોજના બનાવી છે. આ પ્રોજેક્ટ્‌સ પૂર્ણ થયા બાદ વિસ્તાર રાજ્યના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ હબ તરીકે ઉભરી આવશે. અમદાવાદ પ્લેન ક્રેશ માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ અનેક પરિવારો માટે ક્યારેય ન ભરાય એવો ઘાવ બની ગયો હતો.

એક વર્ષ બાદ પણ મૃતકોના પરિવારજનો માટે એ દિવસની યાદો એટલી જ જીવંત છે. જોકે રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ હવે આ દુઃખદ સ્થળને વિકાસ, સેવા અને માનવ કલ્યાણના કેન્દ્રમાં ફેરવવાના પ્રયાસો કરી રહી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોની સ્મૃતિને સન્માન આપવાનો આ એક અનોખો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.