Western Times News

Gujarati News

અમદાવાદથી બીકાનેર સુધી નવી ટ્રેન દોડશે: મહેસાણા, બનાસકાંઠાના લોકોને થશે ફાયદો

ટૂંક સમયમાં શરૂ થશે બીકાનેર–સાબરમતી નવી ટ્રેન સેવા -રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ લીલી ઝંડી આપશે.

ગુજરાત અને રાજસ્થાનના લોકોને ટૂંક સમયમાં એક નવી રેલ સેવા ની ભેટ મળવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટૂંક સમયમાં અમદાવાદ (સાબરમતી)–બીકાનેર (લાલગઢ) એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ નવી રેલ  સેવા અમદાવાદ અને બીકાનેર વચ્ચે સીધી, ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે.

આ નવી એક્સપ્રેસ ટ્રેન પશ્ચિમ ભારતના બે મહત્વપૂર્ણ પ્રવાસન ક્ષેત્રોને પરસ્પર જોડશે. હવે ગુજરાતના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ, મોઢેરા સૂર્ય મંદિર, પાટણની રાણીની વાવ અને અમદાવાદની સમૃદ્ધ વારસાગત સંસ્કૃતિનો આનંદ માણવો હોય કે રાજસ્થાનના ભવ્ય જૂનાગઢ કિલ્લો, કરણી માતા મંદિર, લાલગઢ પેલેસ તેમજ બીકાનેરની સમૃદ્ધ સંસ્કૃતિ અને રણપ્રદેશના પર્યટનનો અનુભવ કરવો હોય, આ નવી એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને સુવિધાજનક  અને સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે.

નવી ટ્રેનથી ગુજરાતના અમદાવાદ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ તથા રાજસ્થાનના જાલોર, બાલોતરા, જોધપુર, નાગૌર અને બીકાનેર જિલ્લાઓને લાભ મળશે. ટ્રેનના મુખ્ય સ્ટેશનોમાં સાબરમતી, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, લૂણી, જોધપુર, ગોટન, મેઢતા રોડ, નાગૌર, નોખા, બીકાનેર અને લાલગઢનો સમાવેશ થાય છે.

લગભગ 740 કિલોમીટરનું અંતર નિશ્ચિત કરનારી આ નવી એક્સપ્રેસ સેવાના પ્રારંભ થતાંની સાથે જ બીકાનેરથી અમદાવાદ વચ્ચે દૈનિક એક્સપ્રેસ રેલ સંપર્ક સ્થાપિત થશે. આ દૈનિક ટ્રેન સેવાથી વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો, વેપારીઓ તેમજ પ્રવાસીઓ માટે વિશેષ સુવિધા પ્રાપ્ત થશે.આ ટ્રેન બંને રાજ્યોના પ્રાદેશિક વિકાસ, આર્થિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને નવી ઉર્જા પ્રદાન કરશે.

તાજેતરમાં કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનના લોકોને અનેક મહત્વપૂર્ણ રેલવે યોજનાઓ અને સેવાઓની ભેટ આપી છે. થોડા દિવસો પહેલાં તેમણે જોધપુરથી વિવિધ ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી તેમજ જેસલમેર ખાતે કોચ કેર કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે જોધપુર–દિલ્હી કૅન્ટ વંદે ભારત એક્સપ્રેસને 20 કોચ સાથે ચલાવવાની સુવિધા આપવામાં આવી હતી, જ્યારે સાબરમતી–જોધપુર એક્સપ્રેસનું વિસ્તરણ જેસલમેર સુધી કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, જાલોરથી મંત્રીજી દ્વારા  ભુજ–જાલોર–પાલી–દિલ્હી નવી ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી, જેના કારણે જાલોર, પાલી અને આસપાસના વિસ્તારોને પ્રથમ વખત દિલ્હી અને ભુજ સાથે સીધી રેલ કનેક્ટિવિટી પ્રાપ્ત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.